સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે હનુમાન મંદિર નિર્માણના દાતાઓનો સન્માન સમારોહ
સુરત, 16 માર્ચ (હિ.સ.)-સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો ‘શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ સન્માન સહ અભિવાદન સમારોહ’ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે ભારતના પ
Governor Acharya Devvratji


સુરત, 16 માર્ચ (હિ.સ.)-સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો ‘શ્રી હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ સન્માન સહ અભિવાદન સમારોહ’ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ના નેજા હેઠળ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન (કોમ્યુનિટી હોલ) નિર્માણ કરવાનો સંકલ્પ લેનાર, રાજ્યસભાના સાંસદ તથા અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગથી આગળ વધીને રાજ્યના અન્ય આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિરોના નિર્માણની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોએ હર્ષભેર વધાવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 311 થી 1111 મંદિરોના નિર્માણનો સંકલ્પ ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ માટે મહત્ત્વપૂર્ણ અભિયાન બની શકે છે. તેમણે જણાવ્યું કે, આદિવાસી સમાજ પ્રત્યે કરુણા અને સેવાભાવ સાચા નેતૃત્વની ઓળખ છે. સુરત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ પરોપકાર અને સામાજિક સેવા માટે પણ પ્રેરણાદાયી ભૂમિ છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, સેવા અને સત્કર્મ દ્વારા જ વ્યક્તિ સમાજના હૃદયમાં સ્થાન મેળવે છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ સંસ્કાર, જ્ઞાન અને સામાજિક એકતાના કેન્દ્ર બની રહ્યા છે. આવા આધ્યાત્મિક કેન્દ્રો યુવાનોને વ્યસનમુક્ત બનાવી ભારતીય મૂલ્યો તરફ પ્રેરિત કરે છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, 311 મંદિરોના નિર્માણ માટે લગભગ 200 દાતા પરિવારો આ યજ્ઞમાં જોડાયા છે. હાલમાં 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાંથી 175 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ ગઈ છે.

આ પ્રસંગે રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ્ ભાગવત ગીતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે ‘ગીતા જ્ઞાન રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande