સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા
- સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્ર અને કેળવણીધામમાંથી તાલીમ મેળવી સફળ થનાર ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો - સરકારી સંસાધનો અને નાણાંનો ઉપયોગ જ્યારે પ્રજાની સુખાકારી માટે સાચી દિશામાં થાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે. - વહીવટમા
સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા


- સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્ર અને કેળવણીધામમાંથી તાલીમ મેળવી સફળ થનાર ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

- સરકારી સંસાધનો અને નાણાંનો ઉપયોગ જ્યારે પ્રજાની સુખાકારી માટે સાચી દિશામાં થાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે.

- વહીવટમાં ગતિશીલતા લાવી નાગરિકોની મુશ્કેલીઓ ઘટાડવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

અમદાવાદ,16 માર્ચ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સરદારધામ ખાતેથી તાલીમ મેળવીને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા યુવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો.

સરદારધામમાંથી તાલીમ મેળવીને યુપીએસસીમાં સફળતા પ્રાપ્ત કરનારા તુષાર મેંદપરા, અનિકેત પટેલ, સાવન સરાવાડિયા, સ્નેહ પટેલ અને ઉત્પલ પટેલને ચેક અને સ્મૃતિ ચિન્હ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2026નું કર્ટેન રેઝર મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં પૂર્વ સનદી અધિકારીઓ તથા સમાજના દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સરદારધામ-કેળવણીધામ અને સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ મેળવીને આ વર્ષે યુપીએસસીની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ તથા ગુજરાત જાહેર વહીવટી સેવાની પરીક્ષાઓમાં 1337 વિદ્યાર્થીઓ સફળ બન્યા છે.સરદારધામ ખાતે ઇન્ટરવ્યુ તાલીમ મેળવીને સફળ બનેલ અન્ય સમાજના વિદ્યાર્થીનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.

સરદારધામ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્યમંત્રીએ યુપીએસસી અને ગુજરાત જાહેર વહીવટી સેવાની પરીક્ષાઓમાં સફળ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષાઓ પાસ કરીને તમે તમારી બૌદ્ધિક ક્ષમતા પુરવાર કરી છે, પરંતુ હવે આ બુદ્ધિશક્તિનો

લોકહિત માટે સદુપયોગ કરવાનો અસલી સમય શરૂ થયો છે. તમારી આગામી કાર્યશૈલી અને વહીવટી નિર્ણયો જ તમારી કારકિર્દીની સાચી ઓળખ બનશે.

વહીવટી સેવામાં જોડાતા યુવાનોને પ્રોત્સાહન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી સેવા એ માત્ર નોકરી નથી પરંતુ પુણ્ય કમાવવાની ઉત્તમ તક છે. સરકારી સંસાધનો અને નાણાંનો ઉપયોગ જ્યારે પ્રજાની સુખાકારી માટે સાચી દિશામાં થાય છે, ત્યારે તે સમાજ માટે

આશીર્વાદરૂપ બને છે. પ્રજાજનો પ્રત્યે અધિકારીઓનો વ્યવહાર સંવેદનશીલ હોવો જોઈએ, જેથી તેઓ પોતાના માતા-પિતા, સંસ્થા અને સમાજનું ગૌરવ વધારી શકે.

વધુમાં, મુખ્યમંત્રીએ વહીવટમાં શિસ્ત અને સુશાસનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, તમામ નીતિ-નિયમો પ્રજાની સુવિધા માટે બનાવવામાં આવ્યા છે, તેથી વહીવટમાં ગતિશીલતા લાવી નાગરિકોની મુશ્કેલીઓ ઘટાડવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો આર્થિક પાયો મજબૂત બન્યો છે, ત્યારે અમૃતકાળના આ સમયમાં અત્યારના નવયુક્ત અધિકારીઓ પાસે વર્ષ 2047 સુધી દેશની સેવા કરવાની મોટી તક છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે યુવા

અધિકારીઓ સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

સન્માન સમારોહમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સફળતા પ્રાપ્ત કરનારા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તાલીમ મેળવી રહેલા યુવાનોને પોતાના માતાપિતાના પરિશ્રમ અને સપનાઓને હંમેશા ધ્યાને રાખીને મહેનત કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વહીવટી સેવામાં જોડાઈ રહેલા યુવાઓને અનુરોધ કર્યો હતો કે વહીવટી સેવામાં જોડાયા બાદ તેમનો અભિગમ અંત્યોદય એટલે કે સમાજના છેવાડાના અને ગરીબ વ્યક્તિના ઉત્થાન માટેનો હોવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદ ભારતમાં સિવિલ સર્વિસ

માટે જે ઉમદા વિચાર રજૂ કર્યો હતો, તેને સાર્થક કરવાની જવાબદારી નવયુક્ત અધિકારીઓના ખભે છે એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ શિક્ષણ અને સમાજ સેવાના હેતુથી સંસ્થાને સહયોગ આપનારા દાતાઓની ઉદારતાને પણ બિરદાવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અહીંથી તાલીમ મેળવેલા યુવાનો કોઈપણ ભેદભાવ કે અભિમાન વગર શ્રેષ્ઠ કર્મ કરીને સમાજ અને દેશનું નામ

રોશન કરશે.

સમારોહમાં સરદારધામના પ્રમુખસેવક ગગજી સુતરીયાએ સ્વાગત સંબોધન કરતા સૌને આવકાર્યા હતા.આ સન્માન સમારોહમાં સરદારધામના ટ્રસ્ટીઓ, દાતાઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, આમંત્રિત મહાનુભાવો, સંસ્થાના ફેકલ્ટીઝ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande