
સુરત, 16 માર્ચ (હિ.સ.) : શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાર સગીરોએ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર શાળાના ગેટ બહાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. નજીવી બોલાચાલીની અદાવતને કારણે થયેલા આ હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન અગાઉની અદાવત રાખીને બેઠેલા ચાર વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર તેને રોકી લીધો હતો. આરોપીઓએ પહેલા મારપીટ કરી અને ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરીને તેના શરીરે ત્રણ ઘા ઝીંકી દીધા હતા.
હુમલા બાદ તમામ આરોપી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાના કારણે વિદ્યાર્થી આજે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું આખું વર્ષ બગડવાની ભીતિ ઊભી થઈ છે.
વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ ઇ-કોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે