
મહેસાણા,17 માર્ચ (હિ.સ.) આજરોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સેવા આપનાર મિહિલ પટેલને તેમની ટર્મ પૂર્ણ થતાં સ્નેહસભર વિદાય આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ પ્રસંગે તેમના કાર્યકાળની પ્રશંસા કરી ભાવુક વાતાવરણ વચ્ચે વિદાય આપવામાં આવી હતી.
વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ મિહિલ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યો અને સુધારાઓની નોંધ લીધી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને જનહિતમાં કાર્યક્ષમ બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાનું જણાવાયું હતું.
મિહિલ પટેલે પણ પોતાના કાર્યકાળના અનુભવો શેર કર્યા હતા અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટીમવર્ક અને સંકલનથી જ સફળતા પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં પણ આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ વિદાય સમારંભે સૌમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR