લોકભારતી સણોસરામાં મોરારિબાપુનો ચિંતન સંવાદ, વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓને મળ્યો લાભ
ભાવનગર, 19 માર્ચ (હિ.સ.) : ગોહિલવાડ વિસ્તારની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રખ્યાત કથાકાર મોરારિબાપુની પાવન ઉપસ્થિતિમાં પ્રાસંગિક ચિંતન સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાનાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી
મોરારિ બાપુ


ભાવનગર, 19 માર્ચ (હિ.સ.) : ગોહિલવાડ વિસ્તારની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રખ્યાત કથાકાર મોરારિબાપુની પાવન ઉપસ્થિતિમાં પ્રાસંગિક ચિંતન સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાનાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક અને જીવનમૂલ્યોને સ્પર્શતા વિચારોનો લાભ લીધો હતો.

મોરારિબાપુએ પોતાના સંવાદ દરમિયાન “રામચરિતમાનસ”ના પાત્રો દ્વારા જીવનમાં માર્ગદર્શન આપતા મર્મસભર વિચારો રજૂ કર્યા. તેમણે સુગ્રીવ, વિભીષણ અને નિષાદરાજ ગુહના ઉદાહરણો આપી જીવનનાં વિવિધ તબક્કાઓ અને માનસિકતાઓનું સુંદર વર્ણન કર્યું. સુગ્રીવને તેમણે સુખની ઈચ્છા રાખનાર વિષયી તરીકે રજૂ કર્યો, જ્યારે વિભીષણને સાધક અને નિષાદરાજ ગુહને સિદ્ધ તરીકે રજૂ કરીને જીવનમાં સાધનાથી સિદ્ધિ સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો. મોરારિબાપુએ લોકભારતી જેવી સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે આવી સંસ્થાઓ માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નથી રહેતી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત અને માનવતાને મહત્વ આપવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંગીતમય માહોલ પણ સર્જાયો હતો. અનુજ રામાનુજ અને ગૌતમ વિરાશની જોડી દ્વારા તબલા વાદન સાથે પ્રાસંગિક ભાવ રચનાનું સુંદર પ્રસ્તુતિ કરાયું હતું, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન લોકભારતી પરિવારના અગ્રણીઓમાં રામચંદ્રભાઈ પંચોળી, નિયામક હસમુખભાઈ દેવમુરારી, કાંતિભાઈ ગોઠી, નીતિનભાઈ ભીંગરાડિયા, જગદીશગિરી ગોસાઈ, જયવંતસિંહ ગોહિલ, ભૌતિકભાઈ લીંબાણી, નિગમભાઈ શુક્લ, રેખાબેન વ્યાસ, ડાહ્યાભાઈ સેંધવ સહિતના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ રીતે લોકભારતી સણોસરામાં યોજાયેલ આ ચિંતન સંવાદ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ જીવનમૂલ્યો અને આધ્યાત્મિક ચિંતનથી ભરપૂર એક યાદગાર પ્રસંગ સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande