

- દર વર્ષે હેપ્પી સ્પેરો વીક દ્વારા હજારો ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણના જતન માટે અનોખી પહેલ
ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવા 'રિયલ લાઈફ હીરો' રહે છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી, છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે?
હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના સ્પેરો મેન તરીકે જાણીતા સમીરભાઈ રામીની.
જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે, ત્યારે સમીરભાઈએ પોતાના 'હેપ્પી ચકલી ઘર' અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે, પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે.
બાળપણની યાદોથી 'સ્પેરો મેન' સુધીની સફર
હેપ્પી હેલ્થ ક્લબના પ્રેરક સમીરભાઈ રામીનો પ્રકૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ કંઈ આજકાલનો નથી. ગામડાની ધૂળની ડમરીઓ અને ઘરના મોભારે ચકલીઓના માળા જોતાં-જોતાં ઉછરેલા સમીરભાઈને જ્યારે શહેરીકરણ વચ્ચે ચકલીઓની ઘટતી સંખ્યા દેખાઈ, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ જ સંવેદનામાંથી વર્ષ ૨૦૧૬માં જન્મ થયો એક નાનકડી પહેલનો, જે આજે એક વટવૃક્ષ બની ગઈ છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમની સાથે આશરે ૧૫ જેટલાં સ્વયંસેવકો જોડાયેલા હતા અને આજે તેની સંખ્યા ૭૦ એ પહોંચી છે.
હેપ્પી ચકલી ઘરની વિશેષતા એ છે કે, સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે.
વર્ષ ૨૦૨૪માં ૬,૦૦૦ અને ૨૦૨૫માં ૧૦,૦૦૦થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે. જ્યારે આ વર્ષે તેઓએ આશરે ૧૨૦૦૦ ચકલી ઘર તૈયાર કર્યા છે.
આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાની તાલીમ પણ આપે છે.
સમીરભાઈ કહે છે કે, ચકલી લુપ્ત નથી થઇ પરંતુ તે માત્ર આપણાંથી દૂર થઇ ગઈ છે. ચકલી આપણી આસપાસ જ છે, ચકલી ઘર યોગ્ય રીતે લગાડીએ અને નજીકમાં તેના માટે ચણ-પાણીની વ્યવસ્થા કરીએ તો ચકલી જરૂર આવે છે.
તેઓ માત્ર ચકલી ઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રકતદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ