




ઘાટ ખાતે વિવિધ એજન્સી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું
આજથી થાશે ઉત્તરવાહીની માઁ નર્મદાની પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
આ વર્ષે ગોવાની એજન્સી દ્વારા આધુનિક બોટ સેવા શરૂ કરાશે, ભીડમાંથી મળશે મુક્તિ
ભરૂચ 19 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લમાં ચેત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજરોજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળા દ્વારા પરિક્રમા રૂટનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રામપુરા ઘાટ ખાતે વિવિધ એજન્સી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર, સાધુ-સંતો, આશ્રમવાસીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી પરિક્રમાવાસીઓને સરળ અને સુવિધાસભર યાત્રા મળી રહે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંડપ, છાંયડો, પંખા, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી વ્યવસ્થા, લાઇટિંગ, સાઇન બોર્ડ, માઇક એનાઉન્સિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવા, પીવાના પાણી, સલામતી, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વર્ષે ઉમટતી લાખો શ્રદ્ધાળુઓની મેદનીને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાવાસીઓને નદી ઓળંગવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે આ વર્ષે ગોવાની એજન્સીને હોડી/નાવડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કઈ કઈ નવી વ્યવસ્થા કરવામાં આવી છે
આ વખતે પરિક્રમામાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે:
મોટી ક્ષમતાની બોટ: ગોવાની એજન્સી દ્વારા એવી બોટ લાવવામાં આવી છે જેમાં એકસાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ સફર કરી શકશે.
આધુનિક સુવિધાઓ: આ બોટમાં ઉપરથી છાપરાની સુવિધા છે, જેથી શ્રદ્ધાળુઓને તડકાથી રક્ષણ મળશે.
વિવિધ પ્રકારની બોટ: મશીન બોટની સાથે-સાથે ઇમરજન્સી અને ઝડપી અવરજવર માટે સ્પીડ બોટ પણ તૈનાત કરવામાં આવી છે.
લાઇનોમાંથી મુક્તિ: દર વર્ષે બોટ માટે જે લાંબી કતારો લાગતી હતી અને ભીડ થતી હતી, આ નવી વ્યવસ્થાથી તેમાં મોટો ઘટાડો થશે અને લોકોને રાહત મળશે.
વહીવટી તંત્ર દ્વારા સ્થળ મુલાકાત
તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘાટ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન
નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, ARTO નિમીષા પંચાલ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અધિકારીઓએ ઘાટ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન કરવા અને પરિક્રમા દરમિયાન સતત દેખરેખ રાખવા સૂચના આપી છે.
શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે પાર્કિંગ, પાણી અને સુરક્ષાના મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વખતે પરિક્રમાવાસીઓને નદી પાર કરવામાં લાંબી રાહ નહીં જોવી પડે. ગોવાની પ્રોફેશનલ એજન્સી દ્વારા આધુનિક અને સુરક્ષિત બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળા
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ