

પાટણ, 19 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કચ્છના નાના રણ વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદ વરસતા અગરિયાઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ કુદરતી આફતના કારણે તેમનો જીવનનિર્વાહ ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.
ઝપાટેદાર પવનના કારણે અગરિયાઓના રહેઠાણના છાપરા ઉડી ગયા હતા અને ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદી ઉપયોગની વસ્તુઓને ભારે નુકસાન થયું હતું. સાથે સાથે સોલાર પેનલ પણ તૂટી જતા તેમની કામકાજની સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે.
પવન સાથે આવેલી ધૂળ મીઠાના અગરોમાં ભરાઈ જતા તૈયાર થતું મીઠું બગડી ગયું છે, જેના કારણે મુખ્ય આવકનો સ્ત્રોત ખોરવાયો છે. અગરિયા હિત રક્ષક મંચે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ