

ભાવનગર, 19 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા તાલુકાના મોણપર ગામે ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓ માટે એક પ્રેરણાદાયક પહેલ રૂપે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આજના સમયમાં સરકારી નોકરી મેળવવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે GPSC, UPSC, પોલીસ, બેન્કિંગ, રેલવે વગેરે માટે સઘન તૈયારી કરવી જરૂરી બની ગઈ છે.સામાન્ય રીતે આવી તૈયારી માટે મોટા શહેરોમાં જવું પડે છે, જ્યાં કોચિંગ ક્લાસ, રહેવા-જમવાના ખર્ચો વગેરેને કારણે આર્થિક બોજો વધે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને સામાન્ય કે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જાય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોણપર ગામે શ્રી ભાવનાથ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા તૈયારી કરતા ભાઈઓ તેમજ બહેનો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કેન્દ્રની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અહીંયા હાલ અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવી રહ્યા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કરવામાં ગામના દાતા નો પણ પૂરતો સહયોગ રહ્યો છે.
આ અંગે ગોસાઈ ભગીરથગીરીએ જણાવ્યું કે અમારા મોણપર ગામમાં શ્રી ભાવનાથ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શ્રી ભાવનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કરવા માટે અમારા ગામના લોકોનો પણ પૂરતો સહયોગ રહ્યો છે. મેં તમામ લોકો પાસે એક અપીલ કરી હતી કે આ પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા માટે સહયોગ આપો. અહીંયા જે ભાઈઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મધ્યમ વર્ગના છે. તેઓને મોટા શહેરોમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી થોડી મુશ્કેલ થતી હોય છે. સામાન્ય રીતે જો ગણતરી કરવામાં આવે તો તૈયારી કરવા જતા વિદ્યાર્થીઓ પાછળ 8,000 થી લઈને 10,000 સુધીનો ખર્ચ તેઓને મહિને લાગી જતો હોય છે.
પરંતુ તેઓના માતા-પિતા અહીંયા ગામડે રહીને ખેતી અથવા તો છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. એક વર્ષનો ખર્ચ એક લાખ રૂપિયા કરતા પણ વધુ થઈ જતો હોય છે. જેથી આ બાબતે મેં ગામના સુખી સંપન્ન લોકોને વાત કરી અને તેઓના સહયોગથી આ પરીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને જે મોટા શહેરોમાં પરીક્ષા તૈયારી કેન્દ્રમાં સુવિધાઓ આપવામાં આવતી હોય તે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંયા ટેબલ, ખુરશી, પુસ્તકો, લાઈટો, પંખા વગેરે જરૂરી વસ્તુઓ સાથે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ કેન્દ્ર શરૂ કરવાથી વિદ્યાર્થીઓ અમે જે બહાર શહેરોમાં ખર્ચ થાય છે તે ખર્ચ બચી જશે અને માતા પિતાની નજર સામે જ બાળક તૈયારી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT