


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકારની મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત આગામી 21 થી 22 માર્ચ-2026 દરમિયાન પોરબંદર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવના સુચારૂ અમલીકરણ અને વ્યવસ્થાપન માટે પોરબંદર મનપા કચેરીના સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ દ્વારા મિલેટના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
પોરબંદર ચોપાટી ખાતે યોજાનાર આ મહોત્સવમાં મિલેટની વિવિધ વાનગીઓનું પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સ અને લાઈવ ફૂડ સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોક મનોરંજન પીરસવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી સહિત વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya