
ભાવનગર ,20 માર્ચ (હિ.સ.)સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમાં મુખ્ય જિલ્લા પ્રભારી શ્રી હર્ષદગિરિજી ગોસાઈ એ કહ્યું કે, ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે.ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'ભાવ કમલમ્ ' ઉપર સંગઠનની મળેલી બેઠકમાં ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પ્રભારી શ્રી હર્ષદગિરિજી ગોસાઈ એ મુખ્ય વાત કરતાં જણાવ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં કાર્યકર્તાની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટેની મહત્વની હોય છે. ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે. તેઓએ પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી પક્ષ સાથેનું લક્ષ્ય પાર પાડવા હાકલ કરી છે.સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની આ બેઠકમાં અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં તેઓએ કાર્યકર્તાથી નેતા બનવા સુધીમાં આપણાં સૌની સહિયારી ભૂમિકા હોવી જોઈએ, તેમણે આ ચૂંટણીના દિવસોમાં સ્થાનિક પંચાયતથી સંસદ સુધીમાં ભાજપની જન કલ્યાણની યોજનાઓની વાત છેવાડા સુધી પહોંચાડવા મંડી પડવા જણાવ્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે, જે સૌ માટે ગૌરવરૂપ બાબત છે, જેની નોંધ આપણે લેવાની હોય છે.પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ કામોમાં ખાસ કરીને સામાન નાગરિક સંહિતા તેમજ અશાંતધારા સંદર્ભેની જાણકારી કાર્યકરોએ રાખવાની છે.ભાવનગર જિલ્લા ચૂંટણીની જવાબદારીમાં રહેલ સંયોજક અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીએ પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબના કાર્યક્રમો માટે તમામ કાર્યકર્તા હોદ્દેદારોને આંતરિક મતભેદો ભૂલી ઘર ઘર સુધી પહોંચવા ભાર મૂક્યો.
આ બેઠકમાં ધારાસભ્યો શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા, શ્રી ગિરિરાજસિંહ ગોહિલ, શ્રી બાબુભાઈ જોળિયા સહિત હોદ્દેદારો જોડાયાં. શ્રી ગોપાલભાઈ વાઘેલાના સંચાલન સાથેની આ બેઠકમાં પ્રારંભે સંઘગાન શ્રી જગદીશસિંહ ગોહિલે પ્રસ્તુત કરેલ. શ્રી મહેન્દ્રભાઈ પનોતે આભારવિધિ સાથે જ ચૂંટણી લક્ષી વિગતો આપી હતી.ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી ચૂંટણીઓ સંદર્ભે તબક્કાવાર આયોજન શરૂ કરેલ છે, જે અંગે આ પ્રથમ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવેલ તેમ પ્રચાર સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT