
મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ તથા ડિરેક્ટરો દ્વારા રાજસ્થાનના જોધપુર વિસ્તારની કૃષિ ઉપજ મંડીઓની મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કૃષિ વ્યાપારને મજબૂત બનાવવાનો અને વેપારીઓ-ખેડૂતો વચ્ચે સંવાદ વધારવાનો રહ્યો હતો.
મુલાકાત દરમિયાન દિનેશભાઈ પટેલે સ્થાનિક વેપારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ખાસ કરીને જીરું અને અન્ય મસાલા પાકોના વેપારને લઈને ઊંઝા અને જોધપુર વચ્ચે સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. તેમણે જણાવ્યું હતું કે બંને મંડીઓ સાથે મળીને કાર્ય કરશે તો ખેડૂતોને તેમના ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકશે.
પ્રવાસ દરમિયાન ઓસિયાં મંડીએ ઊંઝા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંડિના અધ્યક્ષ અને ટીમે ઊંઝા APMCની કાર્યપદ્ધતિ અને આધુનિક વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
આ મુલાકાતથી બંને રાજ્યો વચ્ચેના વેપારી સંબંધોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રમાં નવી તકો ઉભી કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR