
મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરમાં ૨૧ માર્ચથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત ક્વાર્ટર વચ્ચેના મેદાનમાં યોજાનારા આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોને પૌષ્ટિક આહાર અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કરવાનો છે.
મહોત્સવનું ઉદ્ઘાટન સવારે ૧૦:૦૦ કલાકે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં થશે. પ્રથમ દિવસે મિલેટ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતો, FPOs, સ્વ-સહાય જૂથો અને સંસ્થાઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ મૂકવામાં આવશે. અહીં કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ થશે.
મહોત્સવનું મુખ્ય આકર્ષણ મિલેટ આધારિત વિવિધ વાનગીઓના સ્ટોલ્સ રહેશે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પરિસંવાદ અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ખેડૂતોને નવી તકનીકી માહિતી મળી શકે.
બીજા દિવસે લાઇવ ફૂડ ડેમો, મિલેટ વાનગીઓનું નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દ્વારા લોકોમાં સ્વસ્થ આહાર અને કૃષિ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR