
નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). ભારતે શનિવારે સોશિયલ મીડિયા પર ફરતા દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો કે, અમેરિકાને ભારતીય ભૂમિથી ઈરાન પર હુમલો કરવાની પરવાનગી આપવામાં આવી છે. મંત્રાલયે તેને ભ્રામક અને પાયાવિહોણું ગણાવ્યું હતું અને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી.
વિદેશ મંત્રાલયના સત્તાવાર તથ્ય-ચકાસણી એકમે સ્પષ્ટતા કરી હતી કે, ભારતે કોઈપણ દેશને તેની ભૂમિનો ઉપયોગ કોઈપણ ત્રીજા દેશ સામે લશ્કરી કાર્યવાહી માટે કરવાની પરવાનગી આપી નથી. આવા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે અને તેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.
વિદેશ મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, તેઓ સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત સમાચારો પર વિશ્વાસ ન કરે અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવે.
આ ભ્રામક દાવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો કરવા માટે લશ્કરી સંસાધનોનો ઉપયોગ કરવા માટે પશ્ચિમ ભારત પાસેથી પરવાનગી માંગી હતી. આ દાવો ભારત અને અમેરિકા વચ્ચેના એલઈએમઓએ (લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ) સાથે જોડીને રજૂ કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતોના મતે એલઈએમઓએ, એ ભારત અને અમેરિકા વચ્ચે 2016 માં હસ્તાક્ષર કરાયેલ લોજિસ્ટિક્સ સહકાર કરાર છે. તેનો હેતુ બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવાનો છે. આ કરાર હેઠળ, બંને પક્ષો એકબીજાના લશ્કરી થાણાઓનો ઉપયોગ રિફ્યુઅલિંગ, સમારકામ, લોજિસ્ટિક્સ સપ્લાય, સંયુક્ત કવાયત અને માનવતાવાદી સહાય જેવા હેતુઓ માટે કરી શકે છે.
એલઈએમઓએ ત્રીજા દેશ પર કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી અથવા હુમલાને અધિકૃત કરતું નથી. તે ફક્ત એક સહાયક વ્યવસ્થા છે અને તેનો ઉપયોગ ફક્ત સંમતિ અને જરૂરિયાતના આધારે થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ