
નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.)। આવનારી વિધાનસભા ચૂંટણી અને ઉપચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી આયોગે કડક દેખરેખ હેઠળ મોટી કાર્યવાહી કરતાં, 400 કરોડ રૂપિયા કરતાં વધુના ગેરકાયદેસર લાલચની વસ્તુઓ જપ્ત કરી છે. આયોગે જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ દરમિયાન કુલ 408.82 કરોડ રૂપિયાનું રોકડ, દારૂ, નશીલા પદાર્થો, કિંમતી ધાતુઓ અને અન્ય મફત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણી આયોગે 15 માર્ચે આસામ, કેરળ, પોંડીચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી તેમજ 6 રાજ્યોમાં ઉપચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ સાથે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદર્શ આચાર સંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આયોગના જણાવ્યા અનુસાર, નિષ્પક્ષ અને ભયમુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે 5,173 ફ્લાઇંગ સ્ક્વોડ અને 5,200થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જે વિવિધ સ્થળોએ દેખરેખ અને ચકાસણી કરી રહી છે.
જપ્ત કરાયેલી સામગ્રીમાં 17.44 કરોડ રૂપિયાનું રોકડ, 37.68 કરોડ રૂપિયાનો દારૂ (લગભગ 16.3 લાખ લિટર), 167.38 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો, 23 કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ અને 163.30 કરોડ રૂપિયા કરતાં વધુના અન્ય મફત સામાનનો સમાવેશ થાય છે.
આયોગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તપાસ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા કે હેરાનગતિ ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ફરિયાદોના નિવારણ માટે જિલ્લા સ્તરે ગ્રીવન્સ કમિટીઓ પણ રચવામાં આવી છે.
આ દરમિયાન સી-વિજીલ એપ મારફતે 15 થી 25 માર્ચ વચ્ચે કુલ 70,944 ફરિયાદો નોંધાઈ, જેમાંથી 70,831નો નિકાલ કરવામાં આવ્યો છે. તેમાંમાંથી 95.8 ટકા ફરિયાદોનો ઉકેલ 100 મિનિટની અંદર કરવામાં આવ્યો હતો। જનતા અને રાજકીય પક્ષો 1950 હેલ્પલાઇન નંબર દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે.
હિંદુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ