
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.). ભારતે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની 24 માર્ચે થયેલી ટેલિફોન વાતચીત ફક્ત બંને દેશો પૂરતી મર્યાદિત હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સમાચાર જોયા છે. 24 માર્ચે થયેલી ટેલિફોન વાતચીત ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જ હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ વાતચીત પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડવા માટે થઈ હતી.
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા એવા મીડિયા અહેવાલો વચ્ચે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્યોગપતિ એલન મસ્ક પણ આ કોલમાં સામેલ હતા. અહેવાલોમાં અમેરિકન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ સમયની કટોકટી દરમિયાન બે રાષ્ટ્રના વડાઓ વચ્ચેની વાતચીતમાં કોઈ ખાનગી નાગરિક ભાગ લેવો અસામાન્ય હતો.
ઉલ્લેખનીય છે કે, આ અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તાજેતરના મહિનાઓમાં એલન મસ્ક અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. જો કે, તે સ્પષ્ટ નથી કે મસ્કે વાતચીતમાં કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં.
અહેવાલો દર્શાવે છે કે, મસ્કની કંપનીઓએ સાઉદી અરેબિયા અને કતાર જેવા પશ્ચિમ એશિયાઈ દેશોમાં સોવરેન વેલ્થ ફંડ્સ સાથે જોડાયેલા રોકાણો કર્યા છે. તેઓ લાંબા સમયથી ભારતમાં તેમના વ્યવસાયને વિસ્તારવામાં પણ રસ ધરાવે છે. જોકે, વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે 24 માર્ચની વાટાઘાટો દ્વિપક્ષીય હતી અને તેમાં કોઈ તૃતીય પક્ષ સામેલ નહોતો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ