
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.)ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈની હવાઈ સેવા શરૂ થવાની સાથે જ મુસાફરોની સુવિધામાં પણ અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરપોર્ટના બિલ્ડિંગનું નવીનીકરણ કરવાની સાથે ઓપરેશનલ અને પેસેન્જર ફેસિલિટીઝમાં અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો લાભ હવેથી મુસાફરોને મળશે.એરપોર્ટ ડિરેક્ટરશ્રી નયનકુમાર નાયકની અધ્યક્ષતામાં મળેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલ માહિતી મુજબ, મુસાફરોમાં વાંચનનો વ્યાપ વધે તે હેતુથી એરપોર્ટ પર એક સુસજ્જ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. મુસાફરો ફ્લાઈટના આગમન કે પ્રસ્થાનના સમય પૂર્વે આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, આજના ડિજિટલ યુગને ધ્યાને રાખીને પ્રોફેશનલ્સ અને બિઝનેસ મુસાફરો માટે ખાસ લેપટોપ વર્ક સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ પર્સનલ ડેસ્ક પર શાંતિથી પોતાનું વર્ક પૂર્ણ કરી શકશે.એરપોર્ટ પરિસરમાં મુસાફરોની સુવિધા માટે વાઈફાઈ અને મલ્ટિપલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન જેવી પાયાની જરૂરિયાતોને પણ અપગ્રેડ કરવામાં આવી છે. બિલ્ડિંગના રીનોવેશન બાદ એરપોર્ટનો દેખાવ વધુ આકર્ષક અને સુવિધાજનક બન્યો છે. આ તમામ નવિનતમ સુવિધાઓને કારણે ભાવનગર એરપોર્ટ હવે માત્ર મુસાફરીનું કેન્દ્ર જ નહીં, પરંતુ મુસાફરો માટે એક આરામદાયક અને ફળદાયી વેઈટિંગ એક્સપિરિયન્સ પૂરો પાડતું સ્થળ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT