
જામનગર, 29 માર્ચ (હિ.સ.) : જામનગર એરપોર્ટ પર મુસાફરો માટેની બે નવી સુવિધાઓ ફલાયબ્રેરી અને અવસરનો પ્રારંભ આજે 29 માર્ચ 2026 ના રોજ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુજી દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દેશભરના વિવિધ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે, મુસાફરો માટેની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા કાર્યોના રાષ્ટ્રીય સ્તરના ઉદ્ઘાટન કાર્યક્રમના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો.
ફલાયબ્રેરી પહેલ અંતર્ગત મુસાફરો ફ્લાઇટની રાહ જોતા સમયે પુસ્તકો વાંચી શકે છે, પ્રવાસ દરમિયાન વાંચવા માટે પુસ્તક લઈ જઈ શકે છે અથવા અન્ય મુસાફરો માટે પોતાનું પુસ્તક અહીં મૂકીને જઈ શકે છે. આ પહેલ મુસાફરોમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.
અવસર કાઉન્ટર પર જામનગરના સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનો જેમ કે બંધણી કાપડ અને અન્ય હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપતી અને તેમને બજાર ઉપલબ્ધ કરાવતી છે, તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને આગળ વધારવામાં સહાય કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt