બેચરાજીમાં ચૈત્રી પૂનમ મેળા માટે ભવ્ય તૈયારીઓ, લાખો ભક્તોની આવકની શક્યતા
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બેચરાજી ખાતે 31 માર્ચથી 02 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને લઈને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વર્ષે અંદાજે 10 લાખથી વધુ શ્
બેચરાજીમાં ચૈત્રી પૂનમ મેળા માટે ભવ્ય તૈયારીઓ, લાખો ભક્તોની આવકની શક્યતા


મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બેચરાજી ખાતે 31 માર્ચથી 02 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને લઈને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વર્ષે અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

યાત્રાળુઓને સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા, મંડપ વ્યવસ્થા, દિશાસૂચક બોર્ડ અને બેરીકેટીંગ ગોઠવવામાં આવી રહ્યું છે. ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા પાણી, વોટર કુલર અને પંખાની સુવિધા ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, ભવ્ય મેઈન ગેટ અને આકર્ષક લાઈટિંગથી મેળાને શોભાયમાન બનાવવામાં આવશે.

મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત 01 એપ્રિલે રાત્રે 8:00 કલાકે લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરનો લોકડાયરો યોજાશે. જ્યારે 02 એપ્રિલે અન્નપૂર્ણા ભોજનાલય ખાતે યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે.

દૂરથી આવતા ભક્તો માટે વિશ્રામની ખાસ વ્યવસ્થા સાથે ફાયર સેફ્ટી સહિતની ઈમરજન્સી સેવાઓ પણ તૈનાત રહેશે, જેથી મેળો સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande