
નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ): રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસવે પરના ટોલ પ્લાઝા પર મહિલાઓની ભાગીદારી વધારવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) એ, દેશભરના 1,140 થી વધુ ટોલ પ્લાઝા પર 5,100 થી વધુ મહિલા કર્મચારીઓને દિવસની શિફ્ટમાં તૈનાત કર્યા છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય ટોલ કામગીરીમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો, રોજગારની તકો ઊભી કરવાનો અને ટોલ પ્લાઝા પર મુસાફરો માટે વધુ પ્રતિભાવશીલ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે. અધિકારીઓ કહે છે કે મહિલા કર્મચારીઓની તૈનાતીથી વિવાદોની શક્યતા ઓછી થશે અને સેવાની ગુણવત્તામાં સુધારો થશે.
એનએચએઆઈ એ, આ નિર્ણયની ચર્ચા વિવિધ હિસ્સેદારો, ટોલ ઓપરેટરો અને નેશનલ હાઈવે બિલ્ડર્સ ફેડરેશન, હાઈવે ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા યુઝર ફી કોન્ટ્રાક્ટર્સ ફેડરેશન જેવા ઉદ્યોગ સંગઠનો સાથે કરી હતી. બધાએ આ પહેલને ટેકો આપ્યો અને દિવસની શિફ્ટમાં મહિલા કર્મચારીઓને તૈનાત કરવા સંમતિ આપી.
એનએચએઆઈ એ જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પણ ખાસ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ નમ્ર વર્તન, કટોકટી પ્રતિભાવ કૌશલ્ય, સલામતી પ્રોટોકોલ અને ટોલ કામગીરીમાં કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પહેલ માત્ર મહિલાઓને રોજગારી પૂરી પાડશે નહીં પરંતુ તેમને સામાજિક સશક્તિકરણ અને માળખાગત ક્ષેત્રમાં ભાગીદારી માટેની તકો પણ પૂરી પાડશે. એનએચએઆઈ માને છે કે, આવી પહેલ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ મજબૂત બનાવશે અને ટોલ પ્લાઝા પર સેવા વિતરણમાં સુધારો કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ