
ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : સામાન્ય રીતે ગુજરાતના યુવાનો સંરક્ષણ દળોમાં ઓછા જોવા મળે છે ત્યારે ગુજરાતની દીકરી સરહદની સુરક્ષા માટે તૈનાત હોય એ કોઈ મહાન સિદ્ધિથી ઓછું નથી. જ્યારે આખું વિશ્વ 8મી માર્ચે 'મહિલા દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવી મહિલા શક્તિ ફરજ બજાવી રહી છે, જેનું જીવન સંઘર્ષ, સમર્પણ અને સપનાઓની જીતનું પ્રતીક છે. આ વાત છે દાહોદ જિલ્લાના દેગાવાડા ગામની દીકરી નીતાબેન પટેલની, જે આજે સીમા સુરક્ષા બળ (BSF) માં કોન્સ્ટેબલ તરીકે દેશની સરહદો અને સુરક્ષા માટે સજ્જ છે.
નીતાબેનનો ઉછેર દાહોદના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા. ભલે સુવિધાઓ ઓછી હતી, પણ નીતાબેનના સંસ્કારોમાં દેશભક્તિ વણાયેલી હતી. નાનપણથી જ જ્યારે તેઓ કોઈ સૈનિકને યુનિફોર્મમાં જોતા, ત્યારે તેમના મનમાં એક જ તમન્ના જાગતી: મારે પણ વરદી પહેરીને ભારત માતાની સેવા કરવી છે.
તેમણે અભ્યાસમાં ક્યારેય પાછી પાની કરી નહીં. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ તેમણે ITI નો અભ્યાસ પૂર્ણ કર્યો, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પરંતુ તેમનું અસલી લક્ષ્ય તો ડિફેન્સ ફોર્સમાં જોડાવાનું જ હતું. આ માટે તેમણે તૈયારી નો પ્રારંભ કર્યો પરંતુ ઘણા સમય સુધી સાચી દિશા મળતી નહોતી.
આ સમયમાં જ સામાજિક પરંપરા મુજબ નીતાબેનના લગ્ન થયા અને સમય જતાં તેઓ બે સુંદર સંતાનોની માતા બન્યા. સામાન્ય રીતે, લગ્ન અને બાળકો પછી મોટાભાગની સ્ત્રીઓ પોતાના સપનાઓને બાજુ પર મૂકી દેતી હોય છે. પરંતુ નીતાબેન માટે આ માત્ર એક નવી શરૂઆત હતી.
નીતાબેનની સફળતા પાછળ તેમના પતિનો સિંહફાળો છે. એક પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે જ્યારે નીતાબેને BSF માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના પતિએ તેમને રોકવાને બદલે 'પાંખો' આપી. તેમણે ઘરની જવાબદારીઓમાં સાથ આપ્યો અને નીતાબેનને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પોતાની મંજિલ સુધી પહોંચે.તૈયારી દરમિયાનમાં નીતાબેનની મિત્રના ભાઈએ બંને બહેનોને સંરક્ષણની પરીક્ષાઓ માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને નીતાબેન બી.એસ.એફ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
પસંદગી થયા બાદ, તેમને તાલીમ માટે પંજાબ મોકલવામાં આવ્યા. પંજાબની કડકડતી ઠંડી અને શારીરિક રીતે થકવી દેનારી તાલીમમાં પણ નીતાબેન અડગ રહ્યા. પોતાના બે નાના બાળકોથી દૂર રહીને દેશસેવા માટે સજ્જ થવું એ કોઈ પણ માતા માટે ભાવનાત્મક રીતે સૌથી મોટી પરીક્ષા હોય છે, અને નીતાબેન તેમાં સુવર્ણ અક્ષરે ઉત્તીર્ણ થયા. વર્ષ ૨૦૧૪માં નીતાબેનનું પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાન થયું.
આજે નીતાબેન પટેલ BSF ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. ગાંધીનગરના શિસ્તબદ્ધ માહોલમાં તેઓ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે. સવારે વહેલા ઉઠીને પરેડથી લઈને ઓફિસિયલ ડ્યુટી સુધી, તેઓ દરેક કામમાં માહિર છે.
ગાંધીનગરના સેક્ટરમાં જ્યારે તેઓ યુનિફોર્મમાં સજ્જ થઈને નીકળે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર એક નોકરીનું નહીં પણ સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સફર એ વાત સાબિત કરે છે કે જો મનમાં મક્કમતા હોય, તો અંતરિયાળ ગામડાની યુવતી પણ દેશના સર્વોચ્ચ સુરક્ષા દળમાં સ્થાન મેળવી શકે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને નીતાબેન પટેલની સંઘર્ષથી સફળતાની ગાથા દરેક સ્ત્રીને સંદેશ આપે છે કે,શિક્ષણ એ જ સાચી તાકાત છે. લગ્ન એ સપનાઓનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે અને પરિવારનો સાથ ગમે તેવા અશક્ય કામને શક્ય બનાવી શકે છે. દીકરી, વહુ અને માતા – આ ત્રણેય ભૂમિકાઓની સાથે 'દેશના સૈનિક' તરીકેની ભૂમિકા ભજવવી એ જ સાચી નારી શક્તિ છે.
દાહોદની આ દીકરીએ આજે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર હેડક્વાર્ટરના પટાંગણમાં ગુંજતા તેમના બૂટના અવાજમાં હજારો ગુજરાતી યુવતીઓના સપનાઓનો પડઘો સંભળાય છે.આ મહિલા શક્તિ જ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રેરણામૂર્તિ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ