સારોલી ખાતે રહેણાંક પાર્કિંગમાં ભયાનક આગ, 17થી વધુ વાહનો ભસ્મ
સુરત, 12 એપ્રિલ (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલા મોડર્ન ટાઉન રેસીડેન્સીમાં મધરાતે લાગેલી આગે વિસ્તારના રહીશોમાં ભયનું માહોલ ઉભું કર્યો. રાત્રે આશરે 1:23 વાગ્યે પાર્કિંગમાંથી ધુમાડો નીકળતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પાર્ક
Surat


સુરત, 12 એપ્રિલ (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં આવેલા મોડર્ન ટાઉન રેસીડેન્સીમાં મધરાતે લાગેલી આગે વિસ્તારના રહીશોમાં ભયનું માહોલ ઉભું કર્યો. રાત્રે આશરે 1:23 વાગ્યે પાર્કિંગમાંથી ધુમાડો નીકળતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકો કંઈ સમજ્યા પહેલાં જ સમગ્ર પાર્કિંગ આગના ગોળામાં ફેરવાઈ ગયું. વાહનોમાં રહેલા પેટ્રોલ અને ટાયરના કારણે આગ વધુ ભભૂકી ઊઠી હતી. ટાયર ફાટવાના અવાજોથી રહીશો જાગી ગયા અને પોતાના પરિવારજનો સાથે સલામત સ્થળે પહોંચવા માટે દોડધામ મચી ગઈ.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો. ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર સ્ટેશનમાંથી આવેલા જવાનો દ્વારા લગભગ 45 મિનિટ સુધી ભારે પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. રહેણાંક બિલ્ડિંગ હોવાને કારણે આગ ઉપરના માળ સુધી ન ફેલાય તે સૌથી મોટો પડકાર રહ્યો.

આ બનાવમાં અંદાજે 17થી 18 વાહનો સંપૂર્ણપણે બળી ગયા છે, જેમાં મોટાભાગના ટુ-વ્હીલર અને કેટલીક મોંઘી કારનો સમાવેશ થાય છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande