
નવસારી, 12 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી વિસ્તારમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઘોડમાળ ગામ નજીક ખેતરમાં ગાંજાનું વાવેતર થતું હોવાનો ભંડાફોડ થયો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક યુવાનને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં NDPS અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓને કાબૂમાં લેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા અંતરિયાળ વિસ્તારોમાં નજર રાખવા ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન SOG ટીમને મળેલી બાતમી આધારે ડ્રોન દ્વારા તપાસ કરતાં શંકાસ્પદ ખેતી નજરે પડી હતી.
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડતા આરોપી મનીષ ભગરીયા (ઉંમર 26, નિવાસી ઘોડમાળ) ને રંગેહાથ પકડી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે પોતાના પિતાના ખેતરના એક ખૂણામાં છુપાઈને ગાંજાનું વાવેતર કર્યું હતું જેથી કોઈને જાણ ન થાય.
કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹1.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 94 ગાંજાના છોડ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ કેસમાં બીજા એક શંકાસ્પદ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વાંસદા પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે