
વલસાડ, 12 એપ્રિલ (હિ.સ.) : ઈરાનમાં સર્જાયેલી તંગ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં સફળતા મળી છે. આ કામગીરીમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થયા હોવાનું જાણવા મળે છે.
માહિતી મુજબ, રોજગારી અર્થે ઈરાન ગયેલા માછીમારો અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને કારણે ત્યાં ફસાઈ ગયા હતા, જેના કારણે તેમના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. પરિવારજનો દ્વારા રજૂઆત કર્યા બાદ મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.
સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવી સંબંધિત તંત્ર સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો હતો. સંકલિત પ્રયાસો અને રાજદ્વારી સ્તરે કરવામાં આવેલી કામગીરીના પરિણામે માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં સફળતા મળી છે.માછીમારો પોતાના વતન પરત ફરતા તેમના પરિવારજનોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ પોતાના સ્વજનોને સુરક્ષિત જોઈ પરિવારો ભાવુક બન્યા હતા.
સ્થાનિક સ્તરે આ કામગીરીને પ્રશંસા મળી રહી છે, તેમજ સંકલન અને ઝડપી કાર્યવાહી દ્વારા માનવજીવન બચાવવાનો ઉત્તમ દાખલો ગણાવવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha