અંગદાનથી સાત વ્યક્તિઓને નવજીવન: ખેડાના ખેડૂત પરિવારે દાખવી માનવતા
- અમદાવાદ સિવિલમાં 234મું અંગદાન: કપડવંજના મનુભાઈ પરમાર મૃત્યુ બાદ પણ બન્યા અમર અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા મિલાપની સાક્ષી બની છે. કપડવંજ, ખેડાના વતની અને વ્યવસાયે ખેતીકામ કરતા 39 વર્ષીય મનુભાઈ પ
અંગદાનથી સાત વ્યક્તિઓને નવજીવન ખેડાના ખેડૂત પરિવારે દાખવી માનવતા


- અમદાવાદ સિવિલમાં 234મું અંગદાન: કપડવંજના મનુભાઈ પરમાર મૃત્યુ બાદ પણ બન્યા અમર

અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા મિલાપની સાક્ષી બની છે. કપડવંજ, ખેડાના વતની અને વ્યવસાયે ખેતીકામ કરતા 39 વર્ષીય મનુભાઈ પરમારના અકાળે અવસાન બાદ તેમના પરિવારે લીધેલા અંગદાનના નિર્ણયથી આજે સાત જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. આ ઉમદા કાર્ય સાથે સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 234 પર પહોંચ્યો છે.

ઘટનાની વિગત મુજબ, 12 એપ્રિલના રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે 13 એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહીં અને 14 એપ્રિલે તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા. આ કપરી ઘડીમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ.જીનેન પંડ્યાએ મનુભાઈના પત્ની અરખાબેન અને પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજ આપતા, શોકમગ્ન પરિવારે હૈયાધારણ રાખીને અન્યોના જીવન બચાવવા માટે સંમતિ આપી હતી.

મનુભાઈના અંગદાન થકી એક હ્રદય, એક લીવર, બે કિડની, બે આંખો અને ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે. આ પૈકી લીવર અને બંને કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જ્યારે હ્રદયને શહેરની સિમ્સ (CIMS) હોસ્પિટલમાં દાખલ દર્દી માટે મોકલવામાં આવ્યું છે.

આ ઉપરાંત, તેમની આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા અને ત્વચાનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande