
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ‘અબ કી બાર 120’ના લક્ષ્ય સાથે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. પાર્ટીનો દાવો છે કે આ આયોજન દ્વારા સુરતને આગામી પાંચ વર્ષમાં વધુ આધુનિક અને વૈશ્વિક ઓળખ ધરાવતું શહેર બનાવાશે. ખાસ કરીને યુવાનો અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને શિક્ષણ, પરિવહન અને આધુનિક સુવિધાઓ પર ભાર મુકાયો છે.
શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ફેરફારના સંકેતો આપતા ભાજપે પાલિકા સંચાલિત કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કોલેજોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા આધુનિક વિષયોનો સમાવેશ કરવામાં આવશે, જેથી સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી આધારિત શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ બની શકે.
પરિવહન વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે ‘વન સિટી વન કાર્ડ’ યોજના અમલમાં મુકવાની વાત કરવામાં આવી છે. આ કાર્ડથી નાગરિકો મેટ્રો, BRTS અને સિટી બસમાં એક જ ટિકિટ સિસ્ટમ હેઠળ મુસાફરી કરી શકશે. સાથે સાથે મેટ્રો પ્રોજેક્ટને ઝડપી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી શહેરના દરેક વિસ્તારમાં સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય.
આ ઉપરાંત, શહેરના વિકાસ માટે સોલર એનર્જીનો વ્યાપ વધારવા, 24 કલાક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા અને હાઈરાઈઝ ઈમારતો માટે આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ વિકસાવવાની યોજનાઓ રજૂ કરવામાં આવી છે. નવો ઊંચો વહીવટી ભવન, તાપી રિવરફ્રન્ટનો વિકાસ અને ડુમસ બીચ જેવા પર્યટન સ્થળોના વિસ્તરણ દ્વારા સુરતને આધુનિક અને આકર્ષક શહેર બનાવવાનો પક્ષનો પ્રયાસ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે