
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) રાજ્યસભામાં શુક્રવારે હરિવંશ સતત ત્રીજી વખત ઉપસભાપતિ તરીકે ચૂંટાયા. વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર ન ઉતારવામાં આવતા તેમની વરણી બિનહરીફ થઈ હતી. આ સાથે જ તેઓ આ પદ પર સતત ત્રીજી વખત બિરાજમાન થનારા સભ્ય બની ગયા છે.
સદનની કાર્યવાહીની શરૂઆતમાં સદનના નેતા જગત પ્રકાશ નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમને આસન સુધી લઈ ગયા અને ઉપસભાપતિની ખુરશી પર બેસાડ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન આપતા ઉચ્ચ સદનના સંચાલનમાં તેમના અનુભવ અને યોગદાનની પ્રશંસા કરી. બીજી તરફ, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી કે, તેઓ સદનમાં તમામ પક્ષોને સમાન તક આપશે.
ખડગેએ આ પ્રસંગે લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ લાંબા સમયથી ખાલી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2019 થી આ બંધારણીય પદ ખાલી છે, જે લોકશાહી પરંપરાઓને અનુરૂપ નથી. તેમણે આશા વ્યક્ત કરી કે ઉપસભાપતિ તરીકે હરિવંશ વિપક્ષને પૂરતો સમય અને સન્માન આપશે.
વિપક્ષ તરફથી તેમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવતા એમ પણ કહેવામાં આવ્યું કે, સદનની ગરિમા જાળવી રાખવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ