
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). મહિલા અનામત સંબંધિત 'નારી શક્તિ વંદન કાયદા'માં સુધારા પર લોકસભા શુક્રવારે સાંજે 4 વાગ્યે મતદાન થવાનું છે. આ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને આ ઐતિહાસિક બિલના પક્ષમાં મતદાન કરવા અને તેને સર્વાનુમતે પસાર કરાવવાની ખાતરી કરવા અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પરના પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ દેશની મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને તેમના અધિકારો આપવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. તેમણે સાંસદોને તેમની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને યાદ કરીને પોતાના અંતરાત્માની વાત સાંભળવા અને મહિલાઓને નવી તકોથી વંચિત ન રાખવા વિનંતી કરી.
મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો આ સુધારો સર્વાનુમતે પસાર થાય છે, તો તે દેશમાં મહિલા સશક્તિકરણ અને લોકશાહી બંનેને મજબૂત બનાવશે. તેમણે કહ્યું, ચાલો આપણે સાથે મળીને ઇતિહાસ રચીએ અને દેશની અડધી વસ્તીને તેમના અધિકારો આપીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંસદમાં આ બિલ પર વ્યાપક ચર્ચા થઈ છે, જે મોડી રાત સુધી ચાલુ રહી. તેમણે જણાવ્યું કે, ચર્ચા દરમિયાન તમામ ચિંતાઓ અને ગેરસમજોનું તર્કસંગત રીતે નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સભ્યોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહિલા અનામતનો મુદ્દો છેલ્લા ચાર દાયકાથી રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો સમય આવી ગયો છે.
તેમણે તમામ રાજકીય પક્ષોને સંવેદનશીલતા અને જવાબદારી સાથે આ બિલના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દેશની લાખો મહિલાઓ સંસદ અને સાંસદોના નિર્ણયો પર નજર રાખી રહી છે, અને તેથી, તેમની લાગણીઓને ઠેસ પહોંચે તેવું કોઈ પગલું ન ભરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ