


-એલસીબી, એસઓજી અને વાલિયા પોલીસની કુલ 7 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી
-ઘનિષ્ઠ સર્ચ કરી આસપાસના ગામોમાં 500થી વધુ શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને તપાસ કરી
-બનાવના દિવસે હોલાકોતર ગામે લગ્ન પ્રસંગમાં હાજર રહેલ એક શખ્સ શંકાસ્પદ હતો
-પોલીસે સુરતના માંડવી તાલુકાના વાઘનેરા ગામના રાજુ ગામીત (ઉં.વ. 51) ની અટકાયત કરી હતી
ભરૂચ 17 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના હોલાકોતર ગામે 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવાના હીન અને જઘન્ય અપરાધના કેસમાં વાલિયા પોલીસ અને એલસીબી તેમજ એસઓજી ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના દિવસોમાં આરોપીને દબોચી લીધો છે. પોલીસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાઘનેરાના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 08/04/2026ના રોજ હોલાકોતર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન એક અજાણ્યા શખ્સે 4 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવી હતી. આરોપીએ બાળકીનું અપહરણ કરી તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. આ મામલે વાલિયા પોલીસ મથકમાં અપહરણ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણાના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. એલસીબી , એસઓજી અને વાલિયા પોલીસની કુલ 7 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે વાલિયાથી મીરાપુર જવાના રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.ઘનિષ્ઠ સર્ચ કરી આસપાસના ગામોમાં 500થી વધુ શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વાલિયા પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બનાવના દિવસે હોલાકોતર ગામે લગ્ન પ્રસંગમાં હાજર રહેલ એક શખ્સ શંકાસ્પદ જણાય છે. આ બાતમીના આધારે પોલીસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાઘનેરા ગામના રાજુ ગામીત (ઉં.વ. 51) ની અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
રાજુ ગામીત સામે વાલિયા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ મુજબ નીચે મુજબની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.BNS-2023 કલમ 137(2), 64(2)(I), 62(2),પોક્સો એક્ટ-2012 કલમ: 4, 8, 12 .
આ ઓપરેશનમાં વાલિયા પીઆઈ આર.ડી.ચૌધરી, એલસીબી પીએસઆઈ વી.પી.મલ્હોત્રા, એસઓજી પીએસઆઈ આર.બી.રાઠોડ અને વાલિયા પીએસઆઈ કે બી ડોડીયા સહિતના 20 થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોએ રાત-દિવસ એક કરીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ