નવસારીમાં GCAS પોર્ટલ વિરુદ્ધ ABVPનું ઉગ્ર પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત
નવસારી, 17 એપ્રિલ (હિ.સ.): ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે નવસારીમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને રસ્તા રોકો આંદોલન કરીને
Navsari


નવસારી, 17 એપ્રિલ (હિ.સ.): ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે નવસારીમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને રસ્તા રોકો આંદોલન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી.

વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો કે રાજ્ય સરકારની કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં અનેક ખામીઓ છે, જેના કારણે પ્રવેશ પ્રક્રિયા જટિલ બની રહી છે. આ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પ્રવેશ મળી શકતો નથી અને તેમના ભવિષ્ય પર પ્રભાવ પડી રહ્યો છે.

ABVPના સ્થાનિક આગેવાન અક્ષય શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સહેલાઈ મળે તે માટે શરૂ કરાયેલું પોર્ટલ હવે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ગયા વર્ષે અનેક મેરિટ રાઉન્ડ થયા છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા.

વિદ્યાર્થી સંગઠને પોતાની માંગણીઓમાં પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો, ટેકનિકલ ખામીઓ દૂર કરવી અને પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સુધારા નહીં થાય તો આ આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande