ભુજ કોર્ટનો કડક ચુકાદો: વૃદ્ધ મહિલાના અપહરણ, બળાત્કાર અને હત્યામાં આરોપીને ફાંસી
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : ભુજ સેશન્સ કોર્ટ દ્વારા એક અત્યંત હ્રદયવિદ્રાવક અને બર્બર ગુનામાં આરોપીને ફાંસીની સજા ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. દેવ દર્શન માટે નીકળેલી ૬૫ વર્ષની વૃદ્ધ મહિલાનું અપહરણ, બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરનાર યુવ
Court


કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : ભુજ સેશન્સ કોર્ટ દ્વારા એક અત્યંત હ્રદયવિદ્રાવક અને બર્બર ગુનામાં આરોપીને ફાંસીની સજા ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. દેવ દર્શન માટે નીકળેલી ૬૫ વર્ષની વૃદ્ધ મહિલાનું અપહરણ, બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરનાર યુવકને કોર્ટએ “રેરેસ્ટ ઓફ ધ રેર” ગણાવી કેપિટલ પનિશમેન્ટ આપતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં કોર્ટએ આરોપીની ક્રૂરતા, માનસિકતા અને ગુના પછીના વર્તનને ધ્યાનમાં રાખીને કડક સજા આપવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટનાનો ભયાનક બનાવ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મુંદરા તાલુકાના રતાડિયા વિસ્તારમાં બન્યો હતો. ગામમાં રહેતી વૃદ્ધ મહિલા નજીક આવેલા ગુંદાલા ગામે રામદેવપીર મંદિરના દર્શન માટે એકલી નીકળી હતી. દર્શન પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે આરોપી સચિન માવજી કુવરીયાએ લિફ્ટ આપવાના બહાને મહિલાને પોતાની બાઈક પર બેસાડી લીધી. વિશ્વાસનો ભંગ કરતા તેણે મહિલાનું અપહરણ કરીને એકાંત જગ્યાએ લઈ જઈ બળાત્કાર કર્યો અને બાદમાં પોતાના ગુનાને છુપાવવા માટે લૂંગી વડે ગળું ઘૂંટી તેમની હત્યા કરી દીધી.

સાંજ સુધી મહિલા ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે તપાસ શરૂ કરતા એક સાક્ષીએ મહિલાને બાઈક પર લઈ જતો યુવક જોયો હોવાનું જણાવ્યું. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી અને પગેરું મેળવી નારાણપર વિસ્તારમાંથી તેને ધરપકડ કરી લીધી. તેની પાસે થી ગુનામાં વપરાયેલી બાઈક અને લૂંગી પણ જપ્ત કરવામાં આવી.

ફોરેન્સિક તપાસ દરમિયાન મૃતકના શરીર પર અનેક ઈજાઓ હોવાનું સામે આવ્યું. બ્લડ સેમ્પલ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા આરોપી સાથે સંબંધિત ડીએનએ મેચ થતા કેસ વધુ મજબૂત બન્યો. પોલીસે કોર્ટમાં ૧૮ સાક્ષીઓ અને ૭૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા, જેના આધારે આરોપી સામેનો કેસ સ્પષ્ટ રીતે સાબિત થયો.

૨૭ માર્ચના રોજ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ. ઠક્કરે બંને પક્ષોની દલીલો, પુરાવાઓ અને આરોપીની માનસિક સ્થિતિ સહિતના તમામ પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ તેને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટએ ખાસ નોંધ્યું કે આરોપીએ પોતાની માતાની ઉંમરની મહિલાની સાથે અતિ ક્રૂરતા પૂર્વક ગુનો આચર્યો હતો અને તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો નહોતો.

આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટએ ભારતીય દંડ સંહિતા કલમ ૩૦૨ હેઠળ મૃત્યુદંડ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જ્યારે કલમ ૩૭૬ હેઠળ આજીવન કેદ અને એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો. કલમ ૩૬૪ હેઠળ પણ આરોપીને દોષિત ગણાવ્યો, જોકે તેમાં અલગથી સજા આપવામાં આવી નથી.

આ કેસની તપાસ તે સમયે પ્રાગપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીએ કરી હતી, જ્યારે કોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ દિનેશ ઠક્કરે મજબૂત દલીલો રજૂ કરી હતી. મહત્વની વાત એ છે કે ભુજ કોર્ટ દ્વારા અંદાજે અઢી દાયકાના અંતરે કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. હવે આ ચુકાદાની અંતિમ પુષ્ટિ માટે મામલો ગુજરાત હાઈકોર્ટમાં મોકલવામાં આવશે.

આ ચુકાદો સમાજ માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે મહિલાઓ સામેના અત્યાચાર અને બર્બર ગુનાઓ માટે કાનૂન અત્યંત કડક છે અને આવા ગુનેગારોને કોઈ પણ પરિસ્થિતિમાં માફ કરવામાં નહીં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande