
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેર પોશ વિસ્તાર ગણાતા ઘોડ દોડ રોડ ખાતે રહેતા વેપારીને ઓનલાઈન ટ્રેડીંગમાં વધુ વળતર આપવાની લાલચ આપી રૂ. 25.75 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ પુનીત પ્રેમચંદ ખેમકા (રહે, મેઘધનુષ એપાર્ટમેન્ટ, સરેલાવાડી, ઘોડ દોડ રોડ)ને ઓગસ્ટ 2024માં તેમના ઉપર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ એનજીજીએફ ગોલ્ડ કંપનીમાંથી આયુષી ગુપ્તા તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ ટ્રેડિંગમાં ભારે નફો મળે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઈ તેમની બોગસ વેબસાઇટ પર આઈડી બનાવડાવવામાં આવી હતી. આ બનાવટી વેબસાઇટ મારફતે તેમની પાસેથી તબક્કાવાર રીતે બેંક ઓફ બરોડા, બંધન બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટના માં કુલ રૂ. 25,75,700 અલગ અલગ હપ્તામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ભેજબાજોએ તેમને રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. પુનીતભાઈને પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે