રિઝર્વ બેંકે આરબીએલ બેંકના અધિગ્રહણ માટે એમિરેટ્સ એનબીડી બેંકને મંજૂરી આપી
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ (આરબીઆઈ), દુબઈની એમિરેટ્સ એનબીડી બેંકને, આરબીએલ બેંકમાં 74 ટકા સુધી હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે. આ પછી બેંકને સહાયક કંપનીના મોડલ હેઠળ વિદેશી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આરબીએલ બેંકે
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા


નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ (આરબીઆઈ), દુબઈની એમિરેટ્સ એનબીડી બેંકને, આરબીએલ બેંકમાં 74 ટકા સુધી હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે. આ પછી બેંકને સહાયક કંપનીના મોડલ હેઠળ વિદેશી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

આરબીએલ બેંકે શેર બજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે, આરબીઆઈ એ આ મંજૂરી 1 એપ્રિલે આપી હતી, જે એક વર્ષ સુધી માન્ય રહેશે. સંયુક્ત અરબ અમીરાતની બીજી સૌથી મોટી બેંક એમિરેટ્સ એનબીડીએ ઑક્ટોબર 2025માં આરબીએલ બેંકમાં 60 ટકા હિસ્સેદારી અંદાજે 26,853 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના આધારે આ મંજૂરી આપવામાં આવી છે.

આરબીઆઈના મંજૂરી પત્ર મુજબ એમિરેટ્સ એનબીડીએ આરબીએલ બેંકની ચૂકવેલ મૂડીમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો જાળવી રાખવો પડશે. આરબીઆઈએ ભારતીય મૂડીબજાર નિયામક સંસ્થા સેબીના નિયમો હેઠળ એમિરેટ્સ એનબીડીને આરબીએલ બેંકના પ્રમોટર તરીકે ગણવામાં કોઈ વાંધો દર્શાવ્યો નથી. જોકે, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 12(2) મુજબ એમિરેટ્સ એનબીડીના મતાધિકારને આરબીએલ બેંકના કુલ મતાધિકારના 26 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવશે.

એમિરેટ્સ એનબીડી ને ‘સિંગલ મોડ ઓફ પ્રેઝન્સ’ની શરતમાંથી તાત્કાલિક રાહત આપવામાં આવી છે, જ્યાં સુધી ભારતની તેની શાખાઓનું આરબીએલ બેંક સાથે વિલય ન થાય અથવા વધુમાં વધુ એક વર્ષની અવધિ પૂર્ણ ન થાય. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, આ મંજૂરી ભારત સરકાર પાસેથી 49 ટકા કરતાં વધુ રોકાણ માટે જરૂરી મંજૂરી, વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) 1999, સેબીના નિયમો તથા અન્ય લાગુ નિયમોના પાલન પર આધારિત રહેશે.

આ પ્રસ્તાવિત સોદાને હજુ અન્ય નિયમનકારી મંજૂરીઓ મેળવવાની સાથે 18 ઑક્ટોબર 2025ના રોજ રોકાણકાર અને બેંક વચ્ચે થયેલા રોકાણ કરારમાં ઉલ્લેખિત શરતો પણ પૂર્ણ કરવી પડશે. આ પહેલાં જાન્યુઆરીમાં સ્પર્ધા આયોગે પણ એમિરેટ્સ એનબીડી બેંક દ્વારા આરબીએલ બેંકમાં બહુમતી હિસ્સેદારી ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

આરબીઆઈએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આવી બેંક પર સંપૂર્ણ માલિકીની સહાયક કંપની મોડલ હેઠળ કાર્યરત વિદેશી બેંકો માટે લાગુ પડતા નિયમો લાગુ થશે. જોકે, ડિરેક્ટર મંડળની બેઠકોમાં હાજર ડિરેક્ટરોમાં ઓછામાં ઓછા અડધા સ્વતંત્ર ડિરેક્ટરો હોવાની શરત અહીં લાગુ નહીં પડે. બેંકને પોતાના ‘આર્ટિકલ્સ ઓફ એસોસિએશન’માં જરૂરી ફેરફાર કરીને આરબીઆઈ પાસેથી મંજૂરી લેવા કહેવામાં આવ્યું છે અને બેંક આ દિશામાં જરૂરી પગલાં લેશે.

હિંદુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande