
નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ.): ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ પોલિસી રેટ, રેપો રેટ, 5.25% પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ, ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની પ્રથમ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક બાદ બુધવારે આ જાહેરાત કરી.
એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. મલ્હોત્રાએ જણાવ્યું કે, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2026-27 માટે તેની પ્રથમ મોનેટરી સમીક્ષામાં, સર્વાનુમતે પોલિસી રેટ, રેપો રેટ 5.25% પર જાળવી રાખ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક મોનેટરી પોલિસી સમીક્ષા રજૂ કરતા, સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયા કટોકટીએ સપ્લાય ચેઇનને અસર કરી છે, પરંતુ ભારતના આર્થિક મૂળભૂત સિદ્ધાંતો અન્ય ઘણા દેશોની તુલનામાં મજબૂત રહ્યા છે. ગવર્નરે જણાવ્યું હતું કે, ઈરાન કટોકટીને કારણે ફુગાવો ફરી એકવાર જોખમ ઊભું કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, આર્થિક પગલાંને ટેકો આપવો અને વૃદ્ધિ જાળવી રાખવી એ નીતિગત વ્યાજ દર ઘટાડવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે. તે લોન, ઈએમઆઈ, બચત અને રોકાણોને સીધી અસર કરે છે.
નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2026 માં યોજાયેલી પાછલા નાણાકીય વર્ષની છેલ્લી એમપીસી બેઠકમાં, રિઝર્વ બેંકે રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો હતો. જોકે, ફેબ્રુઆરી 2025 થી, રિઝર્વ બેંકે રેપો રેટમાં કુલ 1.25% ઘટાડો કર્યો છે. છેલ્લો ઘટાડો ડિસેમ્બર 2025 માં થયો હતો, જ્યારે રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ