
વડોદરા,01 મે (હિ.સ.) વડોદરા-ભરૂચ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હોટલ પાર્કિંગમાંથી 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો,એકની ધરપકડ કરી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પરની હોટેલના પાર્કિંગમાં દરોડો પાડીને હરિયાણાથી લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. 48 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક આરોપીની ધરપરડ કરી લેવામાં આવી તો અન્ય ચાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે હરિયાણાથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી છે. જે હાલ વડોદરા-ભરૂચ વચ્ચે આવેલા સાંસરોદ ગામની હોટલ સમ્રાથલના પાર્કિંગમાં ઊભી છે. આ બાતમીના આધારે પોલીસે 30 એપ્રિલ 2026ના રોજ રેડ કરી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ ₹73,46,960 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં વિદેશી દારૂની 9,480 બોટલ છે જેની કિંમત 48.36 લાખ રુપિયા થઈ રહી છે. તો દારૂની હેરાફેરી કરવામાં આવતા ટ્રકને જપ્ત કરવામાં આવી હતી. એક મોબાઈલ ફોન અને ₹960 રોકડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ રેડમાં આરોપી સાકિરહુસેન બંનેખાનને વલણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર કયુમ હુસેન નિઝામ, તેનો સાગરિત, ટ્રકનો માલિક અને દારૂ મંગાવનાર સહિત કુલ 4 શખસને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે અને આગળની તપાસ તેજ બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ