
નવી દિલ્હી, 13 મે (હિ.સ.). ભારતના મહાન ક્રિકેટર અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (પીજીટીઆઈ) ના પ્રમુખ કપિલ દેવે, બુધવારે દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીત સિંહ સંધુ સાથે મુલાકાત કરી. આ દરમિયાન, રાજધાની દિલ્હીને વિશ્વસ્તરીય ગ્લોબલ સિટી તરીકે વિકસાવવામાં ગોલ્ફની સંભવિત ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા થઈ.
બેઠકમાં પીજીટીઆઈ ના મુખ્ય કાર્યકારી અધિકારી અમનદીપ જોહલ પણ હાજર રહ્યા. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની એવી યોજનાઓ અને પહેલોનો ઉલ્લેખ કર્યો, જેનો ઉદ્દેશ્ય રાજધાનીની આંતરરાષ્ટ્રીય ઓળખ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત કરવાનો છે. તેમણે આ દિશામાં કપિલ દેવને સહયોગ માટે અપીલ પણ કરી.
કપિલ દેવે કહ્યું કે, દિલ્હીમાં ગોલ્ફના વિકાસ માટે મજબૂત પાયો પહેલેથી જ મોજૂદ છે અને તેઓ એવા કોઈપણ પ્રયાસમાં પોતાનો સમય અને સહયોગ આપવા તૈયાર છે, જે રાજધાનીની વૈશ્વિક છબીને સુધારવામાં મદદ કરે. તેમણે કહ્યું કે, રમતગમત કોઈપણ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખને મજબૂત કરવાનું એક અસરકારક માધ્યમ બની શકે છે.
બેઠક દરમિયાન કપિલ દેવે, ઉપરાજ્યપાલને શીખ ગુરુદ્વારાઓ પર આધારિત એક વિશેષ પુસ્તક પણ ભેટ કર્યું, જેને તેમણે પોતાના માટે ખૂબ ખાસ ગણાવ્યું.
ચર્ચામાં દિલ્હીના મુખ્ય ગોલ્ફ કેન્દ્રોનો પણ ઉલ્લેખ થયો. આમાં દિલ્હી ગોલ્ફ ક્લબ મુખ્ય રહ્યું, જ્યાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા ચેમ્પિયનશિપનું આયોજન થાય છે અને દુનિયાના ઘણા નામાંકિત ગોલ્ફરો ભાગ લે છે. આ ઉપરાંત, કુતુબ ગોલ્ફ કોર્સમાં તાજેતરમાં પીજીટીઆઈ પ્લેયર્સ ચેમ્પિયનશિપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, દ્વારકામાં પ્રસ્તાવિત નવી ગોલ્ફ વિકાસ પરિયોજના પર પણ ચર્ચા થઈ, જેને દિલ્હી વિકાસ પ્રાધિકરણ આગળ વધારી રહ્યું છે.
અમનદીપ જોહલે કહ્યું કે, ભારતીય ગોલ્ફના વિકાસમાં દિલ્હીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના મતે, હાલની સુવિધાઓ અને નવી પરિયોજનાઓ દ્વારા રાજધાની વ્યાવસાયિક ગોલ્ફ સ્પર્ધાઓનું મોટું કેન્દ્ર બની શકે છે. બેઠકમાં રમતગમત, પ્રવાસન, આતિથ્ય અને આંતરરાષ્ટ્રીય આયોજનોને જોડીને દિલ્હીને વૈશ્વિક રમત રાજધાની તરીકે સ્થાપિત કરવાની સંભાવનાઓ પર પણ વિચાર કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ