
નવી દિલ્હી, 15 મે (હિ.સ.) બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશન (સીબીએફ) એ ગુરુવારે પુષ્ટિ કરી છે કે, મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીએ બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમ સાથેનો તેમનો કરાર 2030 ફિફા વર્લ્ડ કપ સુધી લંબાવ્યો છે. નવો કરાર આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે.
એન્સેલોટીની ગયા વર્ષે મે મહિનામાં બ્રાઝિલના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ, બ્રાઝિલે 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે, જે 11 જૂનથી અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં યોજાશે.
અત્યાર સુધી એન્સેલોટીના કાર્યકાળમાં બ્રાઝિલે 10 મેચ રમી છે, જેમાં ટીમે પાંચ જીત, બે ડ્રો અને ત્રણ હાર મેળવી છે. તેમનું લક્ષ્ય બ્રાઝિલને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવાનું છે.
કાર્લો એન્સેલોટીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું એક વર્ષ પહેલા બ્રાઝિલ આવ્યો હતો. પહેલી મિનિટથી જ મને સમજાઈ ગયું હતું કે, આ દેશ માટે ફૂટબોલનો શું અર્થ છે. છેલ્લા એક વર્ષથી અમે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમને ફરીથી વિશ્વ ફૂટબોલના શિખર પર પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. પરંતુ સીબીએફ અને હું આનાથી પણ વધુ ઇચ્છીએ છીએ — વધુ જીત, વધુ સમય અને વધુ મહેનત.”
તેમણે વધુમાં ઉમેર્યું, “અમને એ જાહેરાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે અમે આગામી ચાર વર્ષ સુધી સાથે રહીશું. અમે 2030 વર્લ્ડ કપ સુધી સાથે મળીને કામ કરીશું. હું સીબીએફ નો તેમના વિશ્વાસ બદલ આભાર માનવા માંગુ છું. બ્રાઝિલ, તમારા ઉષ્માભર્યા સ્વાગત અને આટલો પ્રેમ આપવા બદલ આભાર.”
બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશન (સીબીએફ) ના પ્રમુખ સમીર શાઉદે જણાવ્યું હતું કે, “કાર્લો એન્સેલોટીના કરારનું નવીનીકરણ એ અમારા એ સંકલ્પની દિશામાં એક વધુ મજબૂત પગલું છે, જેના હેઠળ અમે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન રાષ્ટ્રીય ટીમને વધુ મજબૂત, આધુનિક અને સ્પર્ધાત્મક બનાવવા માંગીએ છીએ. અમે દરરોજ એ દિશામાં કામ કરી રહ્યા છીએ કે બ્રાઝિલ વિશ્વ ફૂટબોલના સર્વોચ્ચ સ્તર પર જળવાઈ રહે. સાથે જ અમે અન્ય રાષ્ટ્રીય ટીમોના વિકાસ, સીબીએફ દ્વારા આયોજિત સ્પર્ધાઓ અને દેશભરની ક્લબો અને સંઘોને મજબૂત કરવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ