ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું, વિરોધીઓને બાદ કરતાં તમામ માટે હોર્મુઝ માર્ગ ખુલ્લો
નવી દિલ્હી, 15 મે (હિ.સ.). ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઈરાન પણ હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લી રાખવા માંગે છે. યુદ્ધગ્રસ્ત દેશોના જહાજોને બાદ કરતાં મોટાભાગના જહાજો માટે આ માર્ગ ખુલ્લો પણ છે.
ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ, દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી


નવી દિલ્હી, 15 મે (હિ.સ.). ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઈરાન પણ હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લી રાખવા માંગે છે. યુદ્ધગ્રસ્ત દેશોના જહાજોને બાદ કરતાં મોટાભાગના જહાજો માટે આ માર્ગ ખુલ્લો પણ છે. જોકે સંજોગોને કારણે ઈરાની સેના સાથે સંકલન સાધવું જરૂરી છે. ભારતના ઘણા જહાજોને પણ ઈરાને સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે.

બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક માટે નવી દિલ્હી આવેલા ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ, શુક્રવારે અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, “હોર્મુઝની સામુદ્રધુનીના સંબંધમાં અમારી પણ એવી જ ઈચ્છા છે કે તેને ફરીથી સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવે. જ્યાં સુધી અમારો સવાલ છે, હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી છે. તમામ જહાજો ત્યાંથી પસાર થઈ શકે છે - સિવાય કે તે દેશોના જહાજો જે અમારી સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને અમારી વિરુદ્ધ લડી રહ્યા છે. જે જહાજો ત્યાંથી પસાર થવા ઈચ્છે છે, તેમણે સ્વાભાવિક રીતે અમારી સેના સાથે સંકલન સાધવું જોઈએ કારણ કે ત્યાં કેટલાક અવરોધો હાજર છે. એવામાં અમે તેમને સુરક્ષિત માર્ગ બતાવીશું, જેવું અમે ઘણા ભારતીય જહાજો માટે કર્યું છે.”

ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે, હાલમાં યુદ્ધવિરામ લાગુ છે, જોકે સ્થિતિ નાજુક બની રહી છે. તેમનું કહેવું હતું કે ઈરાન કોઈપણ દબાણ કે સૈન્ય કાર્યવાહી સામે ઝૂકશે નહીં. સમસ્યાનું સમાધાન માત્ર મુત્સદ્દીગીરી અને “વિન-વિન” સમજૂતીથી જ શક્ય છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલીક શક્તિઓ અમેરિકાને ફરીથી યુદ્ધ તરફ ધકેલવા માંગે છે.

અરાઘચીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને ઈરાનની ચિંતાઓ અને હિતો ઘણા અંશે સમાન છે. તેમણે કહ્યું કે, બંને દેશો પ્રાચીન સંસ્કૃતિઓ છે અને પરસ્પર સન્માન, વેપાર તેમજ વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઈરાને ભારત દ્વારા પૂરી પાડવામાં આવેલી માનવીય સહાય અને સમર્થનની પણ પ્રશંસા કરી હતી.

અરાઘચીએ ચાબહાર બંદરને ભારત-ઈરાન સહયોગનું પ્રતીક ગણાવતા કહ્યું કે, અમેરિકી પ્રતિબંધોના કારણે તેની ગતિ ધીમી પડી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ બંદર ભારત માટે મધ્ય એશિયા, કાકેશસ અને યુરોપ સુધી પહોંચવાનો મહત્વનો માર્ગ બનશે અને ભારત તેના વિકાસમાં પોતાની ભૂમિકા ચાલુ રાખશે.

અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ઈચ્છતું નહોતું અને 2015 ના પરમાણુ કરાર દ્વારા તેણે આ સાબિત પણ કર્યું હતું. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. સાથે જ તેમણે કહ્યું કે અમેરિકા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે વાટાઘાટો દરમિયાન જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો અને સતત વિરોધાભાસી સંદેશા આપ્યા હતા.

અરાઘચીએ કહ્યું કે, પાકિસ્તાનની મધ્યસ્થી સંપૂર્ણપણે નિષ્ફળ નથી ગઈ, પરંતુ અમેરિકાના વલણ અને અવિશ્વાસને કારણે આ પ્રક્રિયા મુશ્કેલ બની રહી છે. તેમણે ચીનની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે ચીન અગાઉ પણ ઈરાન-સાઉદી સંબંધો પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી ચૂક્યું છે અને જો તે મુત્સદ્દીગીરીને આગળ વધારવામાં મદદ કરે છે, તો ઈરાન તેનું સ્વાગત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande