
નવી દિલ્હી, 20 મે (હિ.સ.) સોશિયલ મીડિયા પર મંગળવારની રાત્રે, અભિનેતા અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેતા પેટની સમસ્યાના કારણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જો કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ સમાચાર તદ્દન અફવા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિગ બી માત્ર નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલ ગયા હતા અને તપાસ બાદ તે જ દિવસે ઘરે પરત ફર્યા હતા.
વાસ્તવમાં, કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમિતાભ બચ્ચન 16 મેથી નાણાવટી હોસ્પિટલના વીઆઈપી વોર્ડમાં દાખલ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માત બાદથી તેમને પેટ સંબંધિત સમસ્યાઓ રહે છે. પુત્ર અભિષેક બચ્ચન હોસ્પિટલ પહોંચ્યા હોવાના સમાચારે આ અફવાઓને વધુ હવા આપી હતી. જો કે સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને બીજા જ દિવસે તેમને 'જલસા'થી 'જનક' સુધી પોતે કાર ચલાવીને જતા પણ જોવામાં આવ્યા હતા.
આ અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક કવિતા શેર કરીને પરોક્ષ રીતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, જ્યારે તેઓ શાંત રહે છે, ત્યારે લોકો વગર કારણે વાતો બનાવવાનું શરૂ કરી દે છે, જ્યારે તેઓ ઘરે આરામથી બાજરીના રોટલા અને શાકનો આનંદ માણી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, શુભચિંતકોનો પ્રેમ તેમને નવી ઊર્જા આપે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ હાલમાં 'કલ્કિ 2898 એડી'ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેઓ ટૂંક સમયમાં ફિલ્મ 'સેક્શન 84'માં પણ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ