
રોમ (ઇટાલી), નવી દિલ્હી, 20 મે (હિ.સ.). ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 5 દેશોના પ્રવાસના અંતિમ પડાવ પર ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા. આજે સ્વદેશ રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદી ઇટાલિયન રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય અન્ય ઉચ્ચ સ્તરીય રાજદ્વારી કાર્યક્રમોમાં પણ તેઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર, ઇટાલી મુલાકાતનો મુખ્ય હેતુ 'ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર' પર ચર્ચા કરવાનો પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે 7 કલાક પહેલાં પોતાના એક્સ હેન્ડલ પર રોમ પહોંચવાની માહિતી અને 4 યાદગાર ફોટો શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, હું ઇટાલીના રોમ શહેરમાં પહોંચી ગયો છું. હું રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળીશ અને તેમની સાથે ચર્ચા કરીશ. આ પ્રવાસનો મુખ્ય ભાર ભારત અને ઇટાલી વચ્ચેના સહયોગને મજબૂત કરવા પર રહેશે, જેમાં 'ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર' (આઈએમઈસી) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029ની પણ સમીક્ષા કરવામાં આવશે. હું સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ) ના મુખ્ય મથકની પણ મુલાકાત લઈશ. આનાથી બહુપક્ષીયતા અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીની રાજધાની પહોંચતા જ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક્સ પર લખ્યું, રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે ઝડપથી મજબૂત થઈ રહેલી વ્યૂહાત્મક ભાગીદારીની વચ્ચે થઈ રહી છે. આ પહેલાં વડાપ્રધાન મોદી જૂન 2024માં જી-7 (G-7) શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટાલી ગયા હતા.
એટલે ખાસ છે, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર .....
વડાપ્રધાન મોદીની ઇટાલીના ટોચના નેતૃત્વ સાથે આ કોરિડોર પર ચર્ચા થવાની છે. આ કોરિડોર ઘણી રીતે ખૂબ જ ખાસ છે. પહેલી વાત એ કે આ એક મહત્વાકાંક્ષી મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ, રેલ અને રોડ નેટવર્ક દ્વારા ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે વ્યાપાર અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આની જાહેરાત સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાયેલી જી20 શિખર સંમેલનમાં કરવામાં આવી હતી. આ કોરિડોરને 2 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો છે પૂર્વીય કોરિડોર. આ ભારતના બંદરોને દરિયાઈ માર્ગે મધ્ય પૂર્વના દેશો (જેમ કે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા) સાથે જોડે છે. ઉત્તરીય કોરિડોર રેલ નેટવર્ક દ્વારા સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને ઈઝરાયેલના હાઈફા બંદર સુધી જશે, જ્યાંથી સમુદ્ર માર્ગે તેને યુરોપિયન બંદરો સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલમાં ભારત, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને ઇઝરાયેલ સામેલ છે. આ કોરિડોર માત્ર માલસામાનના પરિવહન પૂરતો સીમિત નહીં રહે. આમાં ઇન્ટરનેટ અને ડેટા કનેક્ટિવિટી માટે હાઇ-સ્પીડ સબમરીન કેબલ પણ સામેલ છે. પરિવહનના આ નવા માધ્યમથી ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારમાં લાગનારા સમયમાં મોટો ઘટાડો થવાની આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ