ઉનાળુ વેકેશન પુરૂં થતાં જ નવા સત્રમાં સ્કુલ ટ્રાન્સપોર્ટેશનમાં 500થી એક હજાર રૂપિયાનાં ભાવ વધી શકે
સુરત, 25 મે (હિ.સ.): ખાડી યુદ્ધનાં કારણે પેટ્રોલ - ડિઝલનાં ભાવ ભડકે બળી રહ્યા છે. માત્ર 11 દિવસમાં જ દેશભરમાં પેટ્રોલની કિંમતમાં 7.40 રૂપિયા જ્યારે ડિઝલની કિંમતમાં 7.52 રૂપિયાનો વધારો થયો છે. સતત વધારાને પગલે મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ જવા
Petrol Pump


સુરત, 25 મે (હિ.સ.): ખાડી યુદ્ધનાં કારણે પેટ્રોલ - ડિઝલનાં ભાવ ભડકે બળી રહ્યા છે. માત્ર 11 દિવસમાં જ દેશભરમાં પેટ્રોલની કિંમતમાં 7.40 રૂપિયા જ્યારે ડિઝલની કિંમતમાં 7.52 રૂપિયાનો વધારો થયો છે. સતત વધારાને પગલે મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. ખાસ કરીને આગામી દિવસોમાં શાળાનું સત્ર શરૂ થતાં જ વાલીઓનાં માથે સ્કુલ ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચમાં પણ તોતિંગ વધારો જોવા મળશે. ખાસ કરીને જે પરિવારમાં બે કે તેથી વધુ બાળકો શાળામાં અભ્યાસ કરતા હશે તે વાલીઓનાં માથે વાર્ષિક 15 હજારથી 20 હજાર સુધીનું ભારણ વધી શકે છે. આ સિવાય આગામી દિવસોમાં શાકભાજી સહિતનાં ભાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

બંગાળ સહિત પાંચ રાજ્યોની ચુંટણી પૂર્ણ થતાં જ દેશમાં પેટ્રોલ - ડિઝલનાં ભાવમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે. 15મી મેનાં રોજ પેટ્રોલ અને ડિઝલમાં ત્રણ - ત્રણ રૂપિયાનાં વધારા બાદ 19 મે, 23મી મે અને હવે આજે સવારથી વધુ એક વખત ભાવમાં વધારો નોંધાયો છે. આજથી પેટ્રોલનાં ભાવમાં 2.61 રૂપિયા જ્યારે ડિઝલનાં ભાવમાં 2.71 રૂપિયાનો વધારો પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેને પગલે સુરતમાં હવે પેટ્રોલનાં ભાવ વધીને 101.82 રૂપિયા જ્યારે ડિઝલનાં ભાવ વધીને 97.95 રૂપિયા પર પહોંચ્યા છે. સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે હજી આગામી દિવસોમાં પણ આ કિંમતમાં વધારાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે ખાસ કરીને ગરીબ - શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી થવા પામશે તે નિશ્ચિત છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 7.50 રૂપિયા જેટલો વધારો થવાને કારણે આગામી દિવસોમાં મોંઘવારીનો બોમ્બ ફુટી શકે છે. પેટ્રોલ - ડિઝલની સાથે સીએનજી અને રાંધણ ગેસમાં ભાવ વધારાને પગલે મોંઘવારી મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને આગામી દિવસોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ શાળાનું નવુ સત્ર શરૂ થશે અને ત્યારે નોટબુક - ટેક્સ બુક્સથી માંડીને સ્ટેશનરી અને ગણવેશ બાદ સ્કુલ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘરખમ વધારો જોવા મળી શકે છે. એક અંદાજ મુજબ સ્કુલ બસ - વાન અને રિક્ષા ફીમાં એકંદરે 500થી 1000 રૂપિયા સુધીનાં વધારાને પગલે વાલીઓ પર વધુ એક આર્થિક બોઝનું ભારણ આવશે. જેને પગલે જે પરિવારમાં બે કે વધુ બાળકો અભ્યાસ કરતાં હશે તેમના માટે વાર્ષિક 15થી 20 હજાર સુધીનો વધારાનો ખર્ચ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય આગામી દિવસોમાં દુધથી માંડીને શાકભાજી - કરિયાણાનાં ભાવમાં પણ ભડકો થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande