
સુરત, 26 મે (હિ.સ.): ઉનાળાની ઋતુ અને શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે બાળકો અને કિશોરો નદી, તળાવ તેમજ ડેમ જેવા જળાશયો તરફ આકર્ષાતા હોય છે. જો કે, પૂરતી સાવચેતીના અભાવે અનેકવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે બની છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી બે સગા સગીર ભાઈઓના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ભરૂચના અંકલેશ્વરના ભરણ ગામ ખાતે રહેતા પીરુભાઈ વસાવા તેના દીકરીના 9 વર્ષના પુત્ર વૈદ કિરણભાઈ વસાવા અને તેની સાળીના દીકરા રાકેશભાઈ વસાવાનો 11 વર્ષનો દીકરો અંકિતને લઈને માંગરોળના મહુવેજ ગામના તળાવ પર માછીમારી કરવા માટે ગયા હતા. બપોરના સમયે માછીમારી દરમિયાન બંને કૌટુબિંક ભાઈઓ અચાનક તળાવના પાણીમાં પડી ગયા હતા. શરૂઆતમાં તેઓ બહાર આવવાનો પ્રયાસ કરતા રહ્ના હતા, પરંતુ તળાવ ઊંડું હોવાને કારણે બંને જોતજોતામાં પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પૌત્રોને પાણીમાં ડૂબતા જોઈ દાદા ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરીને આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકો તાત્કાલિક તળાવ પાસે દોડી આવ્યા હતા અને બંને કિશોરોને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિકોની મદદથી બંને કિશોરોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા. ઘટનાની જાણ થતા કોસંબા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે બે સગા ભાઈઓના મોતના બનાવથી મહુવેજ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનોના રડતા કલ્પાંતથી ઘટનાસ્ થળે હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે