
નવી દિલ્હી, 28 મે (હિ.સ.) બોલિવૂડ અભિનેતા સલમાન ખાને, ઈદના અવસરે પોતાના ચાહકોને ખાસ ભેટ આપતા પોતાની આગામી ફિલ્મ 'માતૃભૂમિ'નું નવું ગીત 'મૈં હૂં...' રિલીઝ કર્યું છે. સલમાન ખાને આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પછી ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. ગીતમાં તેમનો દમદાર અને ભાવુક અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ગીતમાં સલમાન ખાન, અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ચિત્રાંગદા પોતાના પતિને યાદ કરતી જોવા મળે છે, જે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત છે. આ ભાવુક ગીતને પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાનો મધુર અવાજ આપ્યો છે, જેણે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે.
સલમાન ખાનની પોસ્ટ પર ચાહકોની સાથે-સાથે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. રાખી સાવંત અને કુનિકા સદાનંદ સહિત અનેક કલાકારોએ તેમને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મમાં સલમાન ખાન એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ