નોર્વે ચેસ 2026 : ત્રીજા રાઉન્ડમાં મોટો ઉલટફેર, પ્રજ્ઞાનાનંદે મેગ્નસ કાર્લસનને હરાવ્યો
-ગુકેશે ફિરોઝા સાથે ડ્રો રમ્યો, દિવ્યા દેશમુખે આર્માગેડનમાં જીત મેળવી ઓસ્લો (નોર્વે), નવી દિલ્હી, 28 મે (હિ.સ.). નોર્વે ચેસ 2026 ના ત્રીજા રાઉન્ડમાં બુધવારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવીને મોટો
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ


-ગુકેશે ફિરોઝા સાથે ડ્રો રમ્યો, દિવ્યા દેશમુખે આર્માગેડનમાં જીત મેળવી

ઓસ્લો (નોર્વે), નવી દિલ્હી, 28 મે (હિ.સ.). નોર્વે ચેસ 2026 ના ત્રીજા રાઉન્ડમાં બુધવારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. ઓસ્લોમાં રમાયેલી મેચમાં પ્રજ્ઞાનાનંદે શાનદાર વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કરતા ક્લાસિકલ મેચમાં જીત મેળવી હતી.

મેચના મોટાભાગના સમય દરમિયાન પ્રજ્ઞાનાનંદ મજબૂત સ્થિતિમાં જોવા મળ્યો હતો. જો કે સમયના દબાણમાં થોડા સમય માટે મેચનું વલણ કાર્લસન તરફ જતું દેખાયું હતું, પરંતુ ત્યાર પછી તરત જ નોર્વેના આ સ્ટાર ખેલાડીએ મોટી ભૂલ કરી દીધી અને તેને હાર સ્વીકારવી પડી.

ફિરોઝાએ સરસાઈ જાળવી રાખી

વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશ અને ટુર્નામેન્ટ લીડર અલીરેઝા ફિરોઝા વચ્ચેની ક્લાસિકલ મેચ અત્યંત સંઘર્ષપૂર્ણ રહી હતી અને અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ રમાયેલી આર્માગેડન મેચમાં ફિરોઝાએ જીત મેળવીને વધારાના પોઈન્ટ્સ મેળવ્યા અને કોષ્ટકમાં પોતાની સરસાઈ જાળવી રાખી.

તો બીજી તરફ વિન્સેન્ટ કીમર અને વેસ્લી સો વચ્ચેની ક્લાસિકલ મેચ પણ ડ્રો રહી હતી. બાદમાં આર્માગેડન ગેમમાં વેસ્લી સોએ જીત મેળવી હતી.

ત્રીજા રાઉન્ડ પછી અલીરેઝા ફિરોઝા પોઈન્ટ કોષ્ટકમાં ટોચના સ્થાને યથાવત છે.

નોર્વે ચેસ મહિલા વર્ગમાં પણ રોમાંચ યથાવત

નોર્વે ચેસ વિમેન્સ ટુર્નામેન્ટમાં પણ તમામ ક્લાસિકલ મેચો ડ્રો રહી હતી, ત્યારબાદ વિજેતાનો નિર્ણય આર્માગેડન મેચો દ્વારા થયો હતો.

મહિલા વિશ્વ ચેમ્પિયન જુ વેનજુન અને ઝુ ઝિનેર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. એક સમયે ઝુ ઝિનેર મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ તે તેને જીતમાં બદલી શકી નહીં. બાદમાં આર્માગેડનમાં ઝુ ઝિનેરે જીત મેળવીને વધારાના પોઈન્ટ્સ મેળવ્યા હતા.

અન્ના મુઝીચુક અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી વચ્ચેની ક્લાસિકલ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ આર્માગેડનમાં અન્ના મુઝીચુકે જીત મેળવી હતી.

તો વળી ટુર્નામેન્ટ લીડર બિબિસારા અસ્સાઉબાયેવા અને ભારતની દિવ્યા દેશમુખ વચ્ચેની ક્લાસિકલ મેચ પણ બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્યારબાદ દિવ્યા દેશમુખે શાનદાર રમતનું પ્રદર્શન કરતા આર્માગેડન મેચમાં જીત મેળવી હતી.

ત્રીજા રાઉન્ડ પછી બિબિસારા અસ્સાઉબાયેવા મહિલા વર્ગમાં ટોચ પર યથાવત છે, જો કે દિવ્યા દેશમુખ અને ઝુ ઝિનેરે અંતર ઓછું કરી દીધું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande