
-હવે રમતગમત સંઘો પર કડક નજર રાખવામાં આવશે, ખેલાડીઓ અને સંસ્થાઓને ઝડપી અને સસ્તો ન્યાય મળશે
નવી દિલ્હી, 26 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે ભારતીય રમતગમત પ્રણાલીમાં મોટા સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત વહીવટ (રાષ્ટ્રીય રમતગમત બોર્ડ) નિયમો 2026 અને રાષ્ટ્રીય રમતગમત વહીવટ (રાષ્ટ્રીય રમતગમત ન્યાયાધિકરણ) નિયમો 2026 ને અધિસૂચિત કર્યા છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા મંગળવારે સવારે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, આ નવા નિયમો લાગુ થયા પછી દેશમાં રમતગમત સંઘોની કાર્યપદ્ધતિ, પારદર્શિતા અને રમતગમતના વિવાદોના ઉકેલની વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જવાની અપેક્ષા છે. સરકારનું માનવું છે કે તેનાથી રમતગમત વહીવટ વધુ જવાબદાર, પારદર્શક અને વ્યાવસાયિક બનશે.
રાષ્ટ્રીય રમતગમત બોર્ડ કરશે રમતગમત સંઘોની દેખરેખ
નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડની રચના કરવામાં આવશે, જેમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે. તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી સમિતિની ભલામણ પર કરવામાં આવશે.
આ બોર્ડ દેશની રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓને માન્યતા આપવાનું, તેમના વહીવટી માળખા, નાણાકીય પારદર્શિતા અને નૈતિક ધોરણોની દેખરેખ રાખવાનું કાર્ય કરશે.
સરકારના જણાવ્યા અનુસાર, હવે રમતગમત સંઘોએ વધુ સારી વહીવટી વ્યવસ્થા અને નાણાકીય શિસ્તનું પાલન કરવું પડશે.
રમતગમતના વિવાદો માટે ખાસ ન્યાયાધિકરણ બનશે
સરકારે રમતગમત સાથે જોડાયેલા કેસોના ઝડપી ઉકેલ માટે રાષ્ટ્રીય રમતગમત ન્યાયાધિકરણની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ન્યાયાધિકરણ ખેલાડીઓ, પ્રશિક્ષકો (કોચ), રમતગમત સંઘો અને અન્ય હિતધારકો સાથે જોડાયેલા વિવાદોની સુનાવણી કરશે.
તેનો ઉદ્દેશ્ય દીવાની અદાલતો (સિવિલ કોર્ટ) પરની નિર્ભરતા ઘટાડવાનો અને ઓછા ખર્ચે ઝડપી ન્યાય પૂરો પાડવાનો છે.
સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થશે
નવા નિયમોમાં ડિજિટલ વ્યવસ્થાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર એક વિશેષ ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે, જ્યાં વિવાદ નોંધાવવા, દસ્તાવેજો સબમિટ કરવા, જવાબ દાખલ કરવા અને આદેશો જોવાની સુવિધા મળશે.
આ ઉપરાંત, વર્ચ્યુઅલ સુનાવણી અને ઓનલાઈન રેકોર્ડ વ્યવસ્થાપનની પણ વ્યવસ્થા હશે.
રમતગમત પ્રણાલીને નવું માળખું મળશે
સરકારનું કહેવું છે કે, આ નિયમો ભારતને વૈશ્વિક રમતગમત મહાસત્તા બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. આનાથી ખેલાડીઓને વધુ સારું વાતાવરણ, રમતગમત સંસ્થાઓમાં પારદર્શિતા અને વિવાદોના ઝડપી ઉકેલનો લાભ મળશે.
નિષ્ણાતોના મતે, તેને ભારતીય રમતગમત વહીવટમાં અત્યાર સુધીના સૌથી મોટા સંસ્થાકીય સુધારાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ