41મા જન્મદિવસે મિતેશ (મોન્ટુ) ભંડારીએ કર્યું 127મું રક્તદાન, માનવસેવાની અનોખી ઉજવણી
વલસાડ,29 મે (હિ.સ.) જન્મદિવસની ઉજવણી ફક્ત કેક કાપવાથી નહીં, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવીને પણ થઈ શકે. આ વિચારને સાર્થક કરતાં વલસાડના છીપવાડ-વાવડી વિસ્તારના શતક રક્તદાતા મિતેશ (મોન્ટુ) ભંડારીએ પોતાના 41મા જન્મદિવસે 127મું રક્તદાન કરી જ
માનવસેવાની અનોખી ઉજવણી


વલસાડ,29 મે (હિ.સ.)

જન્મદિવસની ઉજવણી ફક્ત કેક કાપવાથી નહીં, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવીને પણ થઈ શકે. આ વિચારને સાર્થક કરતાં વલસાડના છીપવાડ-વાવડી વિસ્તારના શતક રક્તદાતા મિતેશ (મોન્ટુ) ભંડારીએ પોતાના 41મા જન્મદિવસે 127મું રક્તદાન કરી જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મિતેશભાઈને બાળપણથી જ માનવસેવાના સંસ્કાર મળ્યા હતા. તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી હર્ષદરાય ભંડારી અને કાકા કિરણભાઈ ભંડારીએ રક્તદાનનું મહત્વ સમજાવતાં સેવાના બીજ વાવ્યાં હતાં. તેના પરિણામે મિતેશભાઈએ વર્ષ 2004માં માત્ર 19 વર્ષની ઉંમરે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ત્યારથી શરૂ થયેલી તેમની સેવાયાત્રા આજે 22 વર્ષ બાદ પણ અવિરત રીતે ચાલુ રહી છે.

નિયમિત રક્તદાન ઉપરાંત મિતેશભાઈ દર વર્ષે બે રક્તદાન શિબિરોનું આયોજન કરી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી અનેક યુવાનો રક્તદાન માટે પ્રેરિત થયા છે અને માનવસેવાના કાર્ય સાથે જોડાયા છે.

પિતાશ્રીના અવસાન બાદ યોજાયેલી પ્રાર્થના સભામાં પણ તેમણે રક્તદાન શિબિરનું આયોજન કરી પરિવારજનો સાથે રક્તદાન કરીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની માનવસેવા પ્રત્યેની નિષ્ઠા અને પરિવારના સંસ્કારો ઝળહળી ઊઠ્યા હતા.

વાવડી-છીપવાડ વિસ્તારમાં મિતેશભાઈએ શતક રક્તદાતા ભીખુભાઈ ભાવસાર સાથે મળી ધૂળેટી અને ગણેશોત્સવ જેવા તહેવારો દરમિયાન અનેક રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે. તેમના પ્રયાસોથી વિસ્તારમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધી છે અને મોટી સંખ્યામાં યુવાનો નિયમિત રક્તદાન સાથે સમાજસેવામાં જોડાયા છે.

127મા રક્તદાનના આ અવસરે પરિવારજનો અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વલસાડ રક્તદાન કેન્દ્ર પરિવારના સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ વતી ડૉ. વિશાલભાઈ મહેતાએ મિતેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમની નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

સમાજમાં આવા રક્તદાતાઓ માનવતાની સાચી ઓળખ બની અન્ય લોકોને પણ જીવનદાન માટે પ્રેરણા આપી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande