ભુજની સરહદે અમિત શાહનો સુરક્ષા સંદેશ: “હવે માત્ર બોર્ડર નહીં, આખું ટેરિટોરી સુરક્ષિત બનશે”
કચ્છ, 29 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ભુજ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કરીને દેશની સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીની કચ્છ મુલાકાત


કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીની કચ્છ મુલાકાત


કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીની કચ્છ મુલાકાત


કચ્છ, 29 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ભુજ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કરીને દેશની સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે BSF ના જવાનો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે દેશની સુરક્ષા માટે સીમા પર તૈનાત જવાનો જે પરિસ્થિતિઓમાં ફરજ બજાવે છે, તે અસાધારણ છે અને સમગ્ર દેશ તેમના બલિદાનને સલામ કરે છે.

ભુજની સરહદ પર યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે BSF છેલ્લા 60 વર્ષથી દેશની સૌથી કઠિન સરહદોની સુરક્ષા નિષ્ઠાપૂર્વક સંભાળી રહી છે. કાશ્મીરની હાડ થીજી જાય એવી ઠંડી હોય કે કચ્છના રણની તીવ્ર ગરમી, દરેક પરિસ્થિતિમાં BSF ના જવાનો અડગ રહીને દેશની પ્રથમ સુરક્ષા રેખા તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેમણે BSF ના 2000 થી વધુ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે દેશની 140 કરોડ જનતા તેમની દેશભક્તિ અને બલિદાન પ્રત્યે હંમેશા આભારી રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટને એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે કચ્છના દુર્ગમ અને પડકારજનક વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષા માળખું ઊભું કરવું સહેલું કામ નહોતું, પરંતુ BSF એ તે કાર્ય સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ ચોકીઓમાં વોચ ટાવર, આધુનિક ફેન્સિંગ, કનેક્ટિંગ રોડ, પીવાના પાણીની વ્યવસ્થા અને જવાનો માટે મેડિકલ તથા રહેણાંક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

શાહે ભારપૂર્વક જણાવ્યું કે મોદી સરકાર હવે માત્ર “બોર્ડર સુરક્ષા” સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ “ટેરિટોરિયલ સુરક્ષા” ના નવા અભિગમ પર કામ કરી રહી છે. આ માટે “ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ” વિકસાવવામાં આવશે, જેમાં BSF સાથે જનતા, સ્થાનિક પોલીસ, સિવિલ પ્રશાસન અને સૈન્ય પણ સંકલિત રીતે જવાબદારી નિભાવશે. તેમણે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ અંતર્ગત સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ડ્રોન, રડાર, સેન્સર, મોર્ડન વોચ ટાવર અને ટેક્નિકલ ફેન્સિંગના ઉપયોગથી એવી સુરક્ષા ગ્રીડ ઊભી કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં કોઈ પણ દુશ્મન ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાની હિંમત નહીં કરી શકે. જ્યાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે સામાન્ય ફેન્સિંગ શક્ય નથી, ત્યાં ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.

સિર ક્રિક અને હરામી નાળા જેવા સંવેદનશીલ વિસ્તારો અંગે તેમણે જણાવ્યું કે અગાઉ આ વિસ્તાર સુરક્ષા દ્રષ્ટિએ પડકારરૂપ માનવામાં આવતો હતો, પરંતુ હવે ત્યાં ઝડપી ગતિએ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આગામી બે વર્ષમાં આ આખો વિસ્તાર સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

અમિત શાહે BSF ના જવાનોના પરાક્રમને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે બનાસકાંઠામાં બનાવાયેલા વિશેષ કેન્દ્રનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં લાખો લોકોએ આ કેન્દ્રની મુલાકાત લઈને BSF ના જવાનોના જીવન અને તેમની કઠિન ફરજ વિશે જાણકારી મેળવી છે. અનેક પરિવારો અને માતાઓએ પોતાના બાળકો ભવિષ્યમાં BSF માં જોડાય તો ગર્વ અનુભવાશે તેવી લાગણી વ્યક્ત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું.

બંગાળમાં સરહદી ફેન્સિંગ અંગે તેમણે કહ્યું કે વર્ષોથી અટવાયેલો મુદ્દો હવે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ બોર્ડર ફેન્સિંગ માટે જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ છે, જેના કારણે ભવિષ્યમાં ઘૂસણખોરી રોકવામાં મોટી સફળતા મળશે.

કાર્યક્રમના અંતે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે દેશની સરહદો પર BSF ના જવાનો ચટ્ટાનની જેમ અડગ ઊભા છે અને તેમની બહાદુરીના કારણે જ દેશની અંદર શાંતિ અને સુરક્ષા શક્ય બની છે. સમગ્ર દેશ BSF ના જુસ્સા, સાહસ અને કર્તવ્યનિષ્ઠાને સલામ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande