
કચ્છ, 29 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલા “Mission Fugitive” અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એમ.વી.એક્ટના ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર રહેલા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ફરાર આરોપીઓને શોધી કાયદાની પકડમાં લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં ટીમ સતત વોચ અને માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં જોડાયેલી હતી.
તપાસ દરમિયાન કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી ઇસરારામ ગુમનારામ ભારી ઉર્ફે જાટ છેલ્લા ઘણા વર્ષોથી પોલીસથી બચતો ફરતો હોવાની માહિતી મળી હતી. વધુ તપાસ કરતાં આરોપી હાલ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોલીયાર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમે રાજસ્થાન પહોંચી સચોટ વર્કઆઉટ હાથ ધર્યું હતું અને અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સામે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં બેદરકારીપૂર્વક વાહન હંકારી નુકસાન પહોંચાડવા સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી સતત સ્થળાંતર કરી પોલીસથી દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ “Mission Fugitive” અભિયાન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવીય સૂત્રોની મદદથી આખરે તેને શોધી કાઢ્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓ સામે કાયદાની પકડ વધુ મજબૂત બનતી હોવાનો સંદેશો મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar