રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે 6.9 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું
- આરબીઆઈએ જણાવ્યું કે, પડકારજનક વૈશ્વિક વાતાવરણ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત નવી દિલ્હી, 29 મે (હિ.સ). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2026-27 માટે દેશનો સકલ ઘરેલું ઉત્પા
જીડીપી નો લોગો


- આરબીઆઈએ જણાવ્યું કે, પડકારજનક વૈશ્વિક વાતાવરણ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત

નવી દિલ્હી, 29 મે (હિ.સ). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2026-27 માટે દેશનો સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) ગ્રોથ 6.9 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આરબીઆઈએ શુક્રવારે જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલ 2025-26 માં જણાવ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે અને મજબૂત બૃહદ આર્થિક આધાર ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં વૃદ્ધિને ટેકો આપશે. અહેવાલ મુજબ, ઊર્જાના ઊંચા ભાવો, સપ્લાય ચેઈનમાં અવરોધો અને વૈશ્વિક બજારોના પડકારો છતાં કંપનીઓ અને બેંકિંગ ક્ષેત્રના મજબૂત સરવૈયા તેમજ મૂડી ખર્ચ પર સરકારનો ભાર ભારતની મજબૂત વૃદ્ધિની ગતિ માટે અનુકૂળ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના મજબૂત સ્થાનિક બુનિયાદી માળખાના દમ પર ભારત આર્થિક વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધતું રહેશે.

આરબીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2026 માં ભૂ-રાજકીય જોખમ વૈશ્વિક વૃદ્ધિ માટે મુખ્ય અવરોધ બનીને ઉભર્યું છે. ફેબ્રુઆરીના અંતમાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થવાની અસર વૈશ્વિક વૃદ્ધિ અને ફુગાવાના અંદાજોમાં દેખાઈ રહી છે. અહેવાલ મુજબ, વૈશ્વિક વૃદ્ધિની મધ્યમ ગતિ વચ્ચે નાણાકીય વર્ષ 2026-27 માં ભારતીય અર્થતંત્રનો દ્રષ્ટિકોણ સકારાત્મક રહ્યો છે. જો કે, પશ્ચિમ એશિયામાં લાંબો સમય ચાલનારો સંઘર્ષ નકારાત્મક જોખમ ઊભું કરી શકે છે.

અહેવાલ અનુસાર, ભારત નાણાકીય વર્ષ 2025-26 માં 7.6 ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધતા અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતો દેશ રહ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં આ વૃદ્ધિ દર 7.1 ટકા હતો. આ મજબૂત સ્થાનિક માંગ, સતત રોકાણ, સક્રિય નીતિગત પહેલ અને મજબૂત બૃહદ આર્થિક આધાર દ્વારા સમર્થિત હતું. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય વ્યાપારી ભાગીદારો સાથેના વિવિધ વેપાર કરારોનો અમલ ભારતની વૃદ્ધિને વધુ વેગ આપશે.

આ અહેવાલમાં જણાવાયું છે કે, વર્તમાન ભૂ-રાજકીય તણાવ મુખ્ય કાચા માલ, ખાસ કરીને ખાતરોની ઉપલબ્ધતા અને કિંમતો પર દબાણ લાવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2026-27 માં કૃષિ ક્ષેત્રનું પરિદ્રશ્ય નૈઋત્ય ચોમાસાની પ્રગતિ અને વિતરણ પર આધાર રાખશે. અહેવાલ મુજબ, અનાજનો પૂરતો ભંડાર, જળાશયોમાં પાણીનું પૂરતું સ્તર અને સ્થિર કૃષિ સંભાવનાઓને કારણે, ભલે અલ નીનોની સ્થિતિ અને સામાન્ય કરતાં વધુ ગરમી હોય, તેમ છતાં 2026-27 માં ફુગાવો નક્કી કરેલા લક્ષ્યને અનુરૂપ રહેવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે આરબીઆઈ સાથેની ચર્ચા-વિચારણા બાદ 1 એપ્રિલ, 2026 થી 31 માર્ચ, 2031 સુધીના સમયગાળા માટે 2 ટકાની વધ-ઘટ સાથે ફુગાવાના દર (મોંઘવારી) માટે 4 ટકાનો લક્ષ્યાંક યથાવત રાખ્યો છે.

રિઝર્વ બેંકના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈ સેન્ટ્રક બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) ના પ્રાયોગિક ઉપયોગને વિસ્તારવાની યોજના બનાવી રહી છે, જેથી તેને ડીબીટી યોજનાઓ અને સ્થાનિક છૂટક ક્ષેત્રમાં નવા ઉપયોગો સુધી પહોંચાડી શકાય. આ સાથે જ, નાણાકીય અસ્કયામતોના 'ટોકનઇઝેશન' અને વધુ સહભાગીઓને સામેલ કરવા માટે વધારાના પ્રાયોગિક પ્રોજેક્ટ્સ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande