
સિલવાસા, 29 મે (હિ.સ.) : જિલ્લા ચૂંટણી કચેરી, દાદરા અને નગર હવેલી દ્વારા ગુરુવારે જિલ્લા સચિવાલય, સિલવાસા ખાતે વિશેષ સઘન પુનરીક્ષણ કાર્યક્રમ (SIR)-2026 અંગે જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર અમિત કુમારે કરી હતી.
બેઠક દરમિયાન અમિત કુમારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાર યાદીને વધુ પારદર્શક, ત્રુટિરહિત અને અદ્યતન બનાવવા માટે વિશેષ સઘન પુનરીક્ષણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. લોકશાહીની મજબૂતી માટે શુદ્ધ અને ચોકસાઈભરી મતદાર યાદી અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પોતાના બૂથ સ્તરના કાર્યકરો મારફતે પાત્ર નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરાવવા, મૃત્યુ પામેલા અથવા સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરાવવા તેમજ જરૂરી સુધારાઓ કરાવવામાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મીડિયા પ્રતિનિધિઓને પણ આ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ નાગરિકો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાઈ શકે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ દરમિયાન મતદાર નોંધણી, નામ સુધારણા, સરનામા પરિવર્તન સહિતની વિવિધ પ્રક્રિયાઓ અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા જણાવાયું હતું કે વિશેષ સઘન પુનરીક્ષણ કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા ઘર-ઘર જઈ મતદારોનું સત્યાપન અભિયાન પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત નાગરિકો ઓનલાઈન માધ્યમથી પણ પોતાના નામની ચકાસણી તથા જરૂરી અરજીઓ કરી શકશે.
બેઠકના અંતે ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને ચૂંટણી સંબંધિત કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha